જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો

મેગા લીગલ સર્વિસીસ કેમ્પની સાથે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું
માહિતી બ્યુરો, પાટણ, પાટણ શહેરના આદર્શ વિદ્યાલય ખાતે ‘પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન’ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રી ડી.એ. હિંગુના અધ્યક્ષસ્થાને યોજાયેલા મેગા લીગલ સર્વિસીસ કેમ્પની સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રી ડી.એ. હિંગુએ જણાવ્યું કે, સર્વને સમાન ન્યાય એ ભારતીય બંધારણનો મૂળ મંત્ર છે અને કાયદા સમક્ષ સૌની સમાનતાની વિભાવનાને સાર્થક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. સમાજના મૂળ પ્રવાહોની સાથે છેવાડાના નાગરિકો પણ પોતાના કાયદાકીય અધિકારોથી અવગત થાય અને કાનૂની માર્ગદર્શનથી વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા ન્યાયતંત્ર કટીબદ્ધ છે.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, આજે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ સાથે મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં મફત કાનૂની સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી અઢી મહિનાના સમયમાં જિલ્લામાં ૮૦થી વધુ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા છેવાડાના નાગરિકો સુધી યોજનાકીય લાભો અને સેવાઓ પહોંચાડવા જિલ્લા વહિવટી તંત્ર પ્રયત્નબદ્ધ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરવાની સાથે સાથે ૧૮ વર્ષથી વધુ ઉમર ધરાવતા જે નાગરિકોને રસી લેવાની બાકી હોય તેમને રસીકરણ માટે અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હીના અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન અને પાટણ જિલ્લા ન્યાયાલયના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી પાટણ શહેરના આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા મેગા લીગલ સર્વિસીસ કેમ્પ અને સેવા સેતુ કાર્યક્રમમાં દિવ્યાંગ બસ પાસ યોજના,
પાલક માતા-પિતા યોજના તથા પ્રધાનમંત્રીશ્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ સહિતની યોજનાના લાભાર્થઓને મહાનુભાવોના હસ્તે હુકમ તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ફ્રી લીગલ એઈડ કાઉન્ટર પર મફત કાનૂની સહાય અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.