ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ ઍરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિનું ઉમળકાભેર સ્વાગત કર્યુ
ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનું સવારે અમદાવાદ ઍરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને ઉમળકાભેર આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી તેમના નિર્ધારીત કાર્યક્રમ અનુસાર આવતીકાલે ભાવનગર જિલ્લા અને શહેરની મુલાકાત લઈને ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે રૂ. 63 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1088 આવાસોનું લોકાર્પણ કરશે.
રાષ્ટ્રપતિશ્રી તેમના આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે શ્રી ચિત્રકુટધામ,મોરારીબાપુના આશ્રમની મુલાકાત પણ લેશે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગરમાં 1088 આવાસોનું લોકાર્પણ કરશે
રાષ્ટ્રપતિશ્રીને આવકારવા એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, એર માર્શલ વિક્રમસિંઘ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે.રાકેશ,
ગુજરાતના પોલીસ વડાશ્રી આશિષ ભાટીયા, બ્રિગેડિયર સંજયકુમાર શેરોન, ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, પોલીસ કમિશનરશ્રી સંજય શ્રી વાસ્તવ અને જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી 28-10-2021 ના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે છે. ત્યારે આ સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો( SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઈ મહાનુભાવશ્રીની અને જાહેર જનતાની સુરક્ષાને તેમ જ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતાને ધ્યાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયા છે.
આ વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, તેમ જ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમ જ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવાની/કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોને ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ માટે જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.
આ હુકમ તારીખ – 28-10-2021 ના કલાક 10-00 થી કલાક 14-00 તથા 29-10-2021ના કલાક 09-00 થી કલાક 12-00 સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ – 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.