હરિયાણાના બહાદુરગઢમાં ખેડૂત આંદોલનથી પરત ફરી રહેલી 3 મહિલાને ડમ્પરે કચડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Hariyana.jpg)
નવી દિલ્હી, દિલ્હી સરહદે આવેલા હરિયાણાના બહાદુરગઢમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. આંદોલનથી પરત ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઈ રહેલી પંજાબના માનસાની રહેવાસી 5 મહિલાને પૂરપાર ઝડપે આવી રહેલા ડમ્પરે કચડી નાખી હતી. આ અકસ્માતમાં 3 મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 2 વૃદ્ધ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જીને આરોપી ડમ્પરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘાયલ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.
ગુરુવારે સવારે સાડાછ વાગે પાંચેય મહિલાને પરત પંજાબ જવા માટે સ્ટેશન પર પહોંચવાનું હતું. આ માટે તેઓ રસ્તાની સાઇડમાં ફૂટપાથ પર બેસીને રિક્ષાની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડંપરે ફૂટપાથ પર બેઠેલી મહિલાઓને કચડી નાખી હતી. અકસ્માતમાં છિન્દર કૌર(60), અમરજિત કૌર (58) અને ગુરમેલ કૌર (60)નાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે અન્ય બે મહિલા મહર સિંહ અને ગુરમેલ (60) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
માહિતી મુજબ, આ પાંચેય મહિલા પંજાબની રહેવાસી હતી. તેઓ ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે આવી હતી. તેમણે પોતાનો કેમ્પ ઈજજર રોડ પર ફ્લાઇઓવર પાસે બનાવ્યો હતો.
ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મોટી સંખ્યામાં પંજાબના લોકો આવ્યા છે, જેમાં આ મહિલાઓ પણ સામેલ હતી. ખેડૂતો શિફ્ટોમાં અહીં આવે છે. એક ગ્રુપ થોડા દિવસો રહ્યા બાદ અહીંથી જતું રહે છે, બાદમાં ખેડૂતોનું બીજું ગ્રુપ આવે છે. અકસ્માતમાં શિકાર થયેલી મહિલાઓ પણ થોડા દિવસ આંદોલનમાં સામેલ થયા બાદ ઘરે જવા માટે પંજાબ પરત ફરી રહી હતી.