શાહીબાગમાં પ્લમ્બરે મહિલાની આંખમાં સ્પ્રે છાંટી હુમલો કર્યો

પ્રતિકાત્મક
પ્લમ્બર લૂંટના ઇરાદે આવ્યો હતો, પણ મહિલાએ બૂમાબૂમ કરતા પ્લાન ઊંધો પડ્યો – પ્લમ્બરના સાગરીતે મહિલાને વાળ ખેંચીને માર માર્યો
અમદાવાદ, દિવાળી નજીક આવી રહી છે ત્યારે ચોર લુંટારું અને ધાડપાડુ ગેંગ સક્રિય છે. ગઇકાલે શાહીબાગ વિસ્તારમાં આવેલા બંગલામાં નળ ફીટ કરવા આવેલા પ્લમ્બરે મહિલાની આંખમાં સ્પ્રે છાંટી લૂંટ કરવાની કોશિશ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મહિલાને પહેલા વાળ પકડીને ખેંચી હતી અને બાદમાં તેની આંખમાં બે સ્પ્રેની બોટલ છાંટીને માર માર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ જતાં અંતે લૂંટારુઓ ભાગી ગયા હતા. જાેકે મુખ્ય સુત્રધારને સોસાયટીના રહીશોએ પકડી પાડ્યો છે.
શાહીબાગ વિસ્તારના ઘોડાકેમ્પ ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષના ડિમ્પલબહેન વિનોદભાઇ શાહે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક પ્લમ્બર ધર્મેન્દ્ર રમેશભાઇ સોલંકી અને તેના સાગરીત વિરૂદ્ધ ધાડની ફરિયાદ કરી છે. વિનોદભાઇ ઓઢવ ખાતે સ્ક્રેપની દુકાન ધરાવે છે.
જેમાં તે ગઇકાલે સવારે દુકાન પર ગયા હતા. વિનોદભાઇ દુકાન પર ગયા બાદ ડિમ્પલબહેન ઘરે એકલા જ હોય છે. જેનો ફાયદો લૂંટારુઓએ ઉઠાવ્યો હતો. ગઇકાલે બપોરે ડિમ્પલબહેન સૂતા હતા ત્યારે બપોરે અઢી વાગ્યાની આસપાસ ઘરની ડોરબેલ વાગી હતી. ડિમ્પલબહેને ઉઠીને દરવાજાે ખોલ્યો તો ઘરની બહાર ધર્મેન્દ્ર સોલંકી (રહે. આકાશગંગા ફ્લેટ, રબારી કોલોની, અમરાઇવાડી) તથા અન્ય અજાણ્યો યુવક ઊભો હતો.
ધર્મેન્દ્રએ ડિમ્પલબહેનને કહ્યુ હતું કે તમારા પતિ વિનોદભાઇએ રસોડામાં નળનું પાણી ટપકતું હોય જેનું રિપેરિંગ કામ કરવા માટે મોકલ્યા છે. નળમાંથી પાણી ટપકતું હોવાથી ડિમ્પલબહેને બંને જણાને ઘરમાં એન્ટ્રી આપી હતી અને બાદમાં રસોડામાં લઇ ગયા હતા. રસોડામાં સામાન અસ્તવ્યસ્ત હોવાથી ડિમ્પલબહેને તેને સરખો મૂકવાનું શરૂ કર્યું હતું.
દરમિયાનમાં ધર્મેન્દ્ર સાથે આવેલા શખ્સે તેમના વાળ પકડીને ખેંચ્યા હતાં જ્યારે ધર્મેન્દ્રએ તેની બેગમાંથી સ્પ્રેની બોટલ કાઢી હતી અને ડિમ્પલબહેનના મોં ઉપર છાંટી હતી. ડિમ્પલબહેને બૂમાબૂમ કરી મૂકતા ધર્મેન્દ્રએ તેમને પેટમાં અને મોં ઉપર ફેંટોમારી હતી. જ્યારે અન્ય શખ્સે ડિમ્પલબહેનના વાળ ખેંચીને જમીન પર પછાડી દીધા હતા.
બંને જણા ડિમ્પલબહેનને માર મારતા હતા ત્યારે તેમણે બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. ડિમ્પલબહેનની બૂમાબૂમ સાંભળતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી બંને જણા ભાગવા જતા હતા. જેમાંથી ધર્મેન્દ્ર ઝડપાઇ ગયો હતો જ્યારે બીજાે શખ્સ ભાગવામાં સફળ રહ્યો હતો. ડિમ્પલબહેનને આંખમાં બળતરા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા જ્યારે તેમના પતિને પણ જાણ કરવામાં આવી હતી જ્યારે ધર્મેન્દ્રને સોસાયટીના રહીશોએ માર મારીને પોલીસને સોંપ્યો હતો.
પ્લમ્બિંગનું કોઇ કામ ધર્મેન્દ્રને આપ્યુ જ નથી ઃ મહિલાના પતિ વિનોદભાઇ ઃ ડિમ્પલબહેનના પતિ વિનોદભાઇએ જણાવ્યું છે કે રસોડાના નળમાં પાણી ટપકે છે એ વાત સાચી છે પરંતુ મેં ધર્મેન્દ્રને કોઇ કામ આપ્યુ જ નથી. ધર્મેન્દ્ર એક વર્ષ પહેલા કામ આવ્યો હતો પરંતુ ભાવ સેટ નહીં થતાં તેની પાસે કામ કરાવવાનો અમે ઇનકાર કરી દીધો હતો.
લાઇટિંગનું કામ ચાલુ હતુ ત્યારે ધર્મેન્દ્ર ઘરે આવતો હતો ઃ એક વર્ષ પહેલાં જ્યારે ડિમ્પલબહેન તેમજ વિનોદભાઇના ઘરનું લાઇટિંગનું કામ ચાલુ હતુ ત્યારે જયદીપ ઇલેક્ટ્રિકવાળાને કામ આપ્યુ હતું. જયદીપ ઇલેટ્રિકનું કામ કરવા માટે ઘરે આવતો હતો ત્યારે ધર્મેન્દ્ર પણ તેની સાથે આવતો હતો. ધર્મેન્દ્ર અવારનવાર આવતો હોવાને કારણે ડિમ્પલબહેન તેમજ વિનોદભાઇ તેને ઓળખતા હતા.
ડિમ્પલબહેનને કાબૂમાં કરવા સ્પ્રેની બે બોટલ ખાલી કરી ઃ વિનોદભાઇએ વધુમાં જણાવ્યું છે કે ડિમ્પલબહેનને કંટ્રોલમાં કરવા માટે ધર્મેન્દ્રએ તેમની ઉપર સ્પ્રેની બે બોટલ છાંટી હતી. યુવતીઓને સેલ્ફ ડિફેન્સ માટે જે સ્પ્રેની બોટલ આપવામાં આવતી હોય છે તેનો ઉપયોગ ધર્મેન્દ્રએ કર્યો હતો. ડિમ્પલબહેન કંટ્રોલમાં નહીં આવતા તેમના મોં પર ફેંટો વડે હુમલો કર્યો હતો.
લૂંટના ઇરાદે ધર્મેન્દ્ર ઘરમાં ઘૂસ્યો હતો ઃ એક વર્ષ પહેલાથી ધર્મેન્દ્રને ખબર હતી કે વિનોદભાઇ સમૃદ્ધ છે જેથી તેણે દિવાળીના સમયે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. ગઇકાલે તે ઘરમાં લૂંટના ઇરાદે આવ્યો હતો. જ્યાં તેનો પ્લાન ઊંધો પડ્યો હતો અને હાલ તે જેલના સળિયા પાછળ બંધ છે.