વડોદરાના ૨૩ વર્ષના યુવાનનું કેનેડામાં મોત
વડોદરા, કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ કરતી વખતે પાણીમાં ડૂબી જતાં વડોદરાના ૨૩ વર્ષના રાહુલ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. વડોદરાના વારસિયા વિસ્તારનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા ગયો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થતા તે મિત્રો સાથે ફરવા ગયો હતો. તે દરમિયાન આ દુખદ ઘટના ઘટી છે. તેના પિતા સુનિલભાઈ માખીજા ઘડિયાળી પોળમાં કપડાની દુકાન ધરાવે છે.
ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. સાંસદના પ્રયત્નોથી શુક્રવારે મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાહુલ મખીજાએ અભ્યાસ પૂરો કરીને નોકરી માટે અરજી કરી હતી. અભ્યાસ પૂરો થવાની ખુશીમાં મિત્રો સાથે ટોરેન્ટોથી ૩૦૦ કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો તા.૨૦ ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકા મારવાની રમત રમતા હતા.
આ દરમિયાન એક મિત્ર યસ કોટડીયા પાણીમાં ઠંડા પાણીમાં ડૂબ્યો હતો પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ પાણીમાં કુદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈએ તો જમવાનું પણ છોડી દીધુ હતુ. પરિવારના સમજાવતા તેમણે બે દિવસ બાદ જમવાનું મોંમાં મૂક્યુ હતુ. કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. સાંસદ રંજન ભટ્ટે પણ પરિવારને પોતાના દીકરાનો મૃતદેહ જલ્દીમાં જલ્દી મળી જાય તે માટે તમામ પ્રયત્નો કર્યા છે. રાહુલનો મૃતદેહ આજે આવે તેવું અનુમાન છે. નોંધનીય છે કે, રાહુલ આ જાન્યુઆરીમાં જ કેનેડાથી વડોદરા આવ્યો હતો.SSS