પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે ફરિયાદીએ ‘વહેવાર’ કરવો જ પડશે
ઈમાનદાર પોલીસ કર્મચારીઓને બાદ કરતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અલગ અલગ મુદ્દે નાગરિકો પાસેથી રૂપિયા પડાવી રહ્યાં હોવાની ફરિયાદ
આરોપીને નહીં મારવાના અને ફરિયાદીની ફરિયાદ ઝડપથી દાખલ કરવાના નામે પણ પોલીસ કર્મચારીઓ રૂપિયા વસૂલી રહ્યાં છે
અમદાવાદ, પોલીસ પ્રજાની રક્ષા માટે હોય છે, પરંતુ આજે પોલીસ પાસે જ્યારે કોઈને ફરિયાદ કરવા માટે જવું હોય તો લોકોએ દસ વખત વિચારવું પડે છે, કારણ કે ફરિયાદીએ પોલીસ ફરિયાદની સામે પોલીસ કર્મચારીઓને રૂપિયા કે ગિફ્ટ આપવી પડતી હોય છે.
પોલીસ માત્ર આરોપીઓ પાસેથી નહિં, પરંતુ ફરિયાદી પાસેથી પણ રૂપિયા પડાવે છે, જેને સીધી ભાષામાં પોલીસનો વ્યવહાર કહેવામાં આવે છે. ગ્રેડ-પેનો કદાચ અમલ પણ જઈ જાય, પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ કામ કરાવવા માટે નાગરિકે પોતાના ખિસ્સામાં હાથ નાખવો જ પડશે.
રાજ્ય સરકારનાં તમામ ખાતા ભ્રષ્ટ છે, જેની હકીકત એન્ટિકરપ્શન બ્યૂરોએ નોંધેલા ગુનાઓમાં ફલિત થાય છે. જાે કે આ તમામ ખાતામાં સૌથી વધુ ખરડાયેલું જાે કોઈ ખાતું હોય તો તે ગૃહ વિભાગ છે, જે સૌી વધુ ભ્રષ્ટ છે. અવારનવાર પોલીસ કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાયા હોવાના અનેક કિસ્સા એસીબીમાં નોંધાયા છે, જ્યારે કેટલાક કિસ્સામાં પોલીસ કર્મચારીઓ પર ડિપાર્ટમેન્ટની ઈન્ક્વાયરી ચાલે છે.
પોલીસ ભલે પ્રજને પોતનો દોસ્ત માને પણ હકીકત કંઈક અલગ જ છે. આજે શહેરના મોટા ભાગનાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસ કર્મચારીઓનં ખિસ્સું ગરમ ફરિયાદી કરતા હોય છે. પોલીસને તગડો પગાર મળે છે તેમ છતાંય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જાય છે ત્યારે ફરિયાદ નોંધવાના બદલામાં રૂપિયા આપવાની વાત થઈ જાય છે.
ફરિયાદ નોંધનાર પોલીસ કર્મચારી, રાઈટર સહિતના લોકોને ફરિયાદ નોંધવાના રૂપિયા આપવા પડે છે. લૂંટ કેસમાં ફરિયાદીએ પાંચ હજાર ચૂકવ્યા ઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં ફરિયાદીની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ કર્મચારીઓએ પાંચ હજાર રૂપિયા ફરિયાદી પાસે લીધા હતા.
ફરિયાદ નોધાઈ ગયા બાદ પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદીને સાઈડમાં લઈ જઈને કહ્યું હતું કે ચાર કલાકથી કામગીરી કરી રહ્યાં છે. ચા-પાણીનું સમજી લેજાે. અમે ચાર જણા છે એટલે એ હિસાબે તમે વ્યવહાર કરજાે. ફરિયાદીએ કોન્સ્ટેબલની વાત સાંભળીને પાંચ હજારનો વ્યવહાર કર્યો હતો.
આ સિવાય થોડા દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં નોંધાયેલી એક ગંભીર ઘટનામ પણ પોલીસ કર્મચારીએ ભોગ બનનાર પુત્ર પાસેથી રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ પાસેથી પણ રૂપિયા પડાવે છે ઃ ફરિયાદો પાસે તો સામાન્ય ખર્ચ લેતા હોય છે,
પરંતુ પોલીસને અસલી મલાઈ આરોપી પાસેથી મળતી હોય છે. માર નહીં ખાવાના, વહેલા કોર્ટમાં રજૂ કરવાના, રિમાન્ડ નહિં માગવાના, લોકઅપમાં નહિં રાખવાના રૂપિયા આરોપીઓ પાસેથી મળતા હોય છે. આરોપીઓ જ્યારે પકડાય છે ત્યારે તેમના સગાવહાલા પોલીસ કર્મચારીઓ પાસે લાખો રૂપિયાનો વહીવટ કરે છે.
પોલીસ વેરિફિકેશનમાં પણ નાગરિક પાસે ચા-ચાણીનો ખર્ચ માંગે છે – પાસપોર્ટ વેરિફિકેશન તેમજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ડોક્યુમેન્ટ લેવા માટે પોલીસનું ખિસ્સું ગરમ કરવું પડે છે. આ સિવાય અભિંપ્રાય લેટર લેવો હોય તો પણ રૂપિયા આપવા પડે છે.
જાે કોઈ જાગૃત નાગરિક રૂપિયા આપવાની ના પાડે તો તેમનું કામ કરવામાં પોલીસ કર્મચારીઓ જાણી જાેઈને મોડું કરે છે, જેના કારણે કંટાળીને તે લાંચ આપવા તૈયાર થઈ જાય છે. સમાધાન કરાવવાના નામે પણ કટકી કરવાની- ‘ગુનો દાખલ થશે તો જેલમાં જવું પડશે, સમાજમાં ઈજ્જત જશે, વકીલો તગડી ફી વસૂલ કરશે’ તેવું કહીને પોલીસની અરજીમાં કટકી કરતાં પોલીસ કર્મચારીઓની આખી ફોજ તહેનાત છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પાસે રૂપિયા લઈને અરજી કરાવે છે અને બાદમાં જેના વિરૂધ્ધ અરજી છે તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને દમ મારે છે અને સમાધાનના નામે કટકી કરે છે.
દિવાળીમાં બોનસ અને બોણીના નામે રૂપિયા ખંખેરવામાં આવે છે ઃ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પોલીસ સ્ટેશનમાં કામ માટે આવતાં નાગરિકોને દિવાળી છે, બોનસ અને બોણી આપવી પડશે તેમ કહીને પોલીસ કર્મચારીઓ પૈસા પડાવે છે
ત્યારે દારૂ-જુગારના અડ્ડા તેમજ બે નંબરના ધંધા પરથી આવતા હપ્તાની આવક તો સાહેબોની અલગ જ છે. દિવાળીમાં તો પોલીસ કર્મચારીઓને લીલા લહેર છે. એસીબીના હાથે ઝડપાય નહીં તે માટે પોલીસ કર્માારીઓએ હવે ખાનગી વ્યક્તિઓને વહીવટદાર તરીકે રાખ્યા છે. આ સિવાય રોડ પર ખાણી-પીણીની લારીઓ ધરાવતા નાના નાના વેપારીઓ પાસેથી પણ રૂપિયા લેવામાં આવે છે.