4 વર્ષની વૈભવીને ડાબી કિડનીમાં મોટું ટ્યુમર, 10 લાખની સારવાર વિનામૂલ્યે થઈ
4 વર્ષની વૈભવીએ શાળા આરોગ્ય કાર્યક્રમની મદદથી મોતને હંફાવ્યું- ખાનગીમાં લાખોના ખર્ચે થનારા ઇન્વેસ્ટિગેશન્સ, મુખ્ય સર્જરી, દવાઓ તથા કેમોથેરાપી સહિતની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તદ્દન વિનામૂલ્યે થઈ
સિવિલ હોસ્પિટલમાં ૬ વર્ષમાં ૨૧૪૫ બાળકોએ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર મેળવી : સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી
અમરેલીના ગરીબ પરિવારની ૪ વર્ષની માસૂમ પુત્રીની સારવાર ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમથી તદ્દન નિઃશુલ્ક સંપન્ન થઈ છે. આ કાર્યક્રમના લીધે અનેક ગરીબ પરિવારોના બાળકોની ગંભીર કહી શકાય એવી આરોગ્યની સમસ્યાઓ દૂર થઈ રહી છે.
અમરેલીના બાબરામાં રહેતા વૈશાલીબહેન વડોદિયાની એકની એક ૪ વર્ષની પુત્રી વૈભવીએ પેટમાં અસહ્ય દર્દની ફરિયાદ કરતી રહેતી હતી. પોતાની પુત્રીના પેશાબમાં લોહી આવતું હોવાનું જણાયા બાદ વૈશાલીબહેન વૈભવીને જસદણ ખાતેની બાળકોની હોસ્પિટલમાં લઇ ગયા હતાં. પેટમાં ગાંઠ હોવાની આશંકાના કારણે બાળકીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરી દેવાઈ હતી.
સિવિલ મેડિસીટીની કેન્સર હોસ્પિટલમાં સિટી સ્કેન તથા અન્ય ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યાં. પેટના સીટી સ્કેનમાં બાળકીની ડાબી કિડનીમાં ૧૦૮x ૯૩x ૯૦ મિ.મી. સાઇઝનું મોટું ટ્યુમર હોવાનો ખુલાસો થયો હતો. પૂરતા ઇન્વેસ્ટિગેશન બાદ બાળરોગ સર્જરી વિભાગના પ્રોફેસર અને હૅડ ડૉ. રાકેશ જોશી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. તૃપ્તી શાહ અને ટીમ દ્વારા બાળકીની સર્જરી કરવામાં આવી હતી. બાળકીના ટ્યુમરની બાયોપ્સી બાદ બાળકી હવે કેમોથેરાપીના સેશન લેશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ઓપરેશનમાં ખાનગી હોસ્પિટલમાં રૂ. ૮ થી ૧૦ લાખનો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત ઇન્વેસ્ટિગેશન્સ, કેમોથેરાપી તથા અન્ય દવાઓનો જે ખર્ચ થાય તે જૂદો ગણવાનો રહે છે. મોટા ભાગના પરિવારોના કિસ્સામાં આ એક અસહ્ય નાણાકીય ભારણ સમાન હોય છે, જે પરિવારનું સુખ-ચૈન બધું જ છિનવી લે છે.
વૈભવીના કિસ્સામાં પણ પરિવારની આર્થિક હાલત સારી નહોતી, પરંતુ વૈભવીની અત્રે ખાસ નોંધનીય છે કે વૈભવીના કિસ્સામાં વારંવારના ઇન્વેસ્ટિગેશન્સ, મુખ્ય સર્જરી, દવાઓ તથા કેમોથેરાપીના હવે થનારા સેશન સહિતની બધી જ સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના લીધે તદ્દન નિઃશુલ્ક થઈ છે.
ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ વૈભવી અને તેના જેવા અનેક પીડિત બાળકોના પરિવારો માટે રાહતનો શ્વાસ પ્રદાન કરનારું પરિબળ બન્યાં છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં વસનારા ગરીબ પરિવારોના બાળકો માટે તો આ કાર્યક્રમ આશીર્વાદરૂપ છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમમાં બાળકોની આરોગ્યની સમસ્યાની તદ્દન નિઃશુલ્ક, સરળ અને સમયસરની સારવાર દ્વારા રાજ્ય તથા દેશની ધરોહર સમાન અમૂલ્ય બાળકોની તકલીફો દૂર કરીને દેશની આવતીકાલને મજબૂત અને આરોગ્યમય બનાવવાનો હેતુ રહેલો છે.
આ કાર્યક્રમો હેઠળ ઇલાજ કરાવવા માટે માત્ર બાળકનું જન્મનું પ્રમાણપત્ર અને/અથવા આધાર કાર્ડની જ જરૂર હોય છે અને તેમને એક જ દિવસની અંદર ઝડપભેર શાળા આરોગ્ય કાર્યક્રમના લાભો મળતા થઈ જાય છે. -અમિતસિંહ ચૌહાણ