Western Times News

Gujarati News

લાખોના ખર્ચે દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી હતી મહિલાને હોસ્પિટલે, આર્યુવેદની સારવારથી નજીવા ખર્ચે સાજા થયા

જેતપુરના નિવાસી ઉર્વશીબહેન અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની સારવારથી એટલા પ્રભાવિત થયા કે 50 નવા બૅડ દાનમાં આપ્યાં

ક્યારેક એવું જોવા મળે છે કે સારવાર માટે બધી જગ્યાએથી આશા ગુમાવી ચૂકેલા માણસને અચાનક એવી જગ્યાએથી સાવ સહજ રીતે ખુબ સારી સારવાર મળી જાય છે. દર્દી અને તેના પરિવાર માટે આ ઘટના કોઇ ચમત્કારથી ઓછી હોતી નથી.

આવો જ કિસ્સો અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં બન્યો છે, જેમાં ખાનગી હોસ્પિટલોએ લાખોના ખર્ચે જેમને ૫ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી હતી, તેવા એક દર્દી બહેન આયુર્વેદની સારવારથી સાવ નજીવા ખર્ચે એકદમ સાજા થઈ ગયા છે.

સૌરાષ્ટ્રના જેતપુરમાં રહેતા ઉર્વશીબહેન જાડેજા નામના મહિલાને મ્યુકોરમાયકોસિસ થયો હતો. ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું જ્યાં રૂ. ૨ લાખના ખર્ચ અંદાજ આપવામાં આવ્યો હતો અને એમાંય વળી ડોક્ટર્સે આ બહેનને ૫ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી હતી. દેખીતી રીતે જ આના લીધે ઉર્વશીબહેનનો આખોય પરિવાર ચિંતાગ્રસ્ત થઈ ગયો હતો.

એવામાં થોડા પરિચિતોના માધ્યમથી ઉર્વશીબહેનના પરિવારને અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારી સારવાર થતી હોવાની જાણકારી મળી હતી, જેથી ઉર્વશીબહેનને તેનો પરિવાર અમદાવાદ લઇ આવ્યો હતો.

અહીં ડો. રામ શુક્લની દેખરેખ હેઠળ ઉર્વશીબહેનની ઇનડોર પેશન્ટ તરીકે સારવાર લગભગ એક મહિના સુધી ચાલી હતી. અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યાં બાદ વારંવાર ફોલો-અપ માટે અમદાવાદ ન આવવું પડે એ માટે ઉર્વશીબહેનને રાજકોટમાં બીજા એક મહિના માટે ફોલો-અપની વ્યવસ્થા પણ કરી અપાઈ હતી.

આયુર્વેદિક સારવારે ધીમી પણ મક્કમ અસર કરી. જે ઉર્વશીબહેનને ૫ દાંત અને પેઢા કાઢવા માટે રૂ. ૨ લાખનો ખર્ચ અંદાજ મળ્યો હતો, તે જ ઉર્વશી બહેન સાવ નજીવા દરે આયુર્વેદિક સારવારથી મ્યુકોરમાઇકોસિસને હરાવીને એકદમ સાજા થઇ ગયા અને એક પણ દાંત કઢાવવા પડ્યા નહીં.

પોતાને મળેલી સરસ આયુર્વેદિક સારવારથી ગદગદ થયેલા ઉર્વશીબહેને પોતે સાજા થયા બાદ કોઇ દર્દીને તકલીફ ન પડે તે માટે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલને ૫૦ બૅડ દાનમાં પણ આપ્યાં. ઉર્વશીબહેન અને તેમના સમગ્ર પરિવારે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલના તબીબો , સ્ટાફ અને સારવારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.