મ્યુનિ.સીકયોરીટી કોન્ટ્રાકટઃ સહુનો સાથ સહુનો વિકાસ
પ૦ પબ્લીક ટોયલેટમાં સેનેટરી ના વેન્ડીંગ મશીન મુકવામાં આવશેઃ અમુલભાઈ ભટ્ટ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની મિલ્કતો તથા મ્યુનિ. કમીશ્નરની રક્ષા કાજે આઠ વર્ષના લાંબા સમયગાળા બાદ સીકયોરીટી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. જેમાં “સહુનો સાથ, સહુનો વિકાસ” સુત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આઠ હેરીટેજ મિલ્કતોને સમાવવા માટે ઘણા સમયથી પડતર માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ પબ્લીક ટોયલેટમાં પ્રાથમિક ધોરણે પ૦ વેન્ડીંગ મુકવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ સીકયોરીટી કોન્ટ્રાકટ માટે જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા તેવાં ભાગ લેનાર તમામ કોન્ટ્રાકટરોને પ્રથમ લોએસ્ટ ના ભાવથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. જે સીકયોરીટી કંપનીઓ સામે ખાતાકીય તપાસ ચાલતી હોય કે બ્લેકલીસ્ટ કરવામાં આવી હોય તેને કોન્ટ્રાકટ આપવામાં આવશે નહી. સીકયોરીટી ગાર્ડની વહેચણી અંગેનો નિર્ણય કમીશ્નર દ્વારા કરવામાં આવશે.
કોટ વિસ્તારની હેરીટેજ મિલ્કતોની યાદી કરતા સમયે વાંધા સુચન મંગાવવામાં આવ્યા હતા. જેમાં આઠ મિલ્કતધારકો એ વધુ વળતર, ગ્રેડ બદલવા તથા ખુલ્લા પ્લોટનો ઉપયોગ કરવા માટે રજુઆત કરી હતી. તે સ્વીકાર્ય ન હોવાથી આઠ મિલ્કતોનો હેરીટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ મિલ્કત ધારકો સાથે વન-ટુ વન મીટીંગ કરવામાં આવી હતી. તથા મિલ્કતધારકોએ તેમના વાંધા પરત લીધા હોવાથી હેરીટેજ યાદીમાં તેમની મિલ્કતોનો સમાવેશ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
દાણીલીમડાના સ્ક્રીન પ્રીન્ટીંગ એસોસીએશન માટે અલગથી પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે કેન્દ્ર સરકારે અમૃત યોજના અંતર્ગત ગ્રાન્ટ આપી છે. જેની મુદત ડીસેમ્બર મહીનામાં પૂર્ણ થતી હોવાથી વોટર સપ્લાય કમીટીએ જે ત્રણ શરતો સાથે મંજૂરી આપી હતી.તેનો અમલ કરવાની શરતે સ્ટેન્ડીંગ કમીટીએ પણ દરખાસ્તને મંજૂર કરી છે. એસોસીએશન શરતોના પાલનમાં નિષ્ફળ જશે તો સમગ્ર પ્રોજેકટને કોર્પોરેશન હસ્તક લેવામાં આવશે.
મ્યુનિ.કોર્પોરેશનની જાહેર પરીવહન સેવામાં ટ્રાફિક ભારણ વધી રહયું છે. તેથી જનમાર્ગમાં ૩૦૦ ઈલેકટ્રીક અને એએમટીએસમાં ૩૦૦ સીએનજી બસ લેવામાં આવશે. જનમાર્ગમાં પ૦ ઈલેકટ્રીક બસો કાર્યરત થઈ ગઈ છે. શહેરના પબ્લીક ટોયલેટમાં પ્રાયોગિક ધોરણે સેનેટરીવેરના પ૦ વેન્ડીગ મશીન મુકવામાં આવશે. અમદાવાદ-સાણંદ સીસ્ટર સીટી પ્રોજેકટ અંતર્ગત સાણંદમાં ડ્રેનેજ નેટવર્કના ૮૦ ટકા
કામ પુરા થયા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ છેલ્લા એક વર્ષથી કલમ ૭૩ (ડી) ના કામો મંજૂરી માટે રજુ કરવામાં આવ્યા નથી. તેથી અધિકારીઓને આપવામાં આવેલી નાણાકીય સત્તા તો કેવી રીતે ઉપયોગ થયો છે. તે બાબત મધ્યાહીન રહે છે. કમીટી સભ્ય જતીન પટેલે ઝીરો અવર્સ દરમ્યાન આ મામલે રજૂઆત કરી હતી. તથા ૭૩ (ડી) ના કામો રજૂ કરવા માટે માંગણી કરી હતી.