પરાજય માટે બાયો બબલના થાકને આગળ ધરતો બુમરાહ

દુબઈ, ભારતની પાકિસ્તાન બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ ભૂંડી હાર થતા હવે ભારતીય ક્રિકેટ ટીમના પરફોર્મન્સ સામે સવાલો ઉઠી રહ્યા છે. ટીમની બોડિલેન્ગવેજથી લઈને વિરોધી ટીમ સામેની ટક્કરને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આવામાં ટીમના દિગ્ગજ બોલર જસપ્રિત બુમરાહે બાયો બબલની સ્થિતિના કારણે અનુભવાતા થાકનો ઉલ્લેખ કર્યો છે.
ગઈકાલે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની મેચ ૮ વિકેટથી ગુમાવી છે, આ પહેલા પાકિસ્તાને ૧૦ વિકેટથી ભારત સામે જીત મેળવી હતી. બુમરાહે મેચ પત્યા પછી યોજાયેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાનો ઉભરો ઠાલવતા કહ્યું કે, સંપૂર્ણ રીતે, તમારે બ્રેકની જરુર હોય જ છે. જ્યારે બૂમરાહને આઈપીએલની સેકન્ડ લીગ અને ટી૨૦ વર્લ્ડકપ વચ્ચેના અંતર વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે પોતાનો ઉભરો ઠાલવ્યો હતો.
આ સાથે બુમરાહે એમ પણ કહ્યું કે, પરંતુ, આ આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે હકીકત છે, આ મુશ્કેલ છે, હાલ મહામારી ચાલે છે અને આપણે બબલમાં રહીએ છીએ. અમે તેને સ્વીકારવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ તે થાક અને માનસિક થાક પણ સાથે લઈને આવે છે.
આગળ બુમરાહે જણાવ્યું કે, તમારે આ સ્થિતિમાં વારંવાર રહેવું પડે છે. આ જ એક માર્ગ છે અને તમે તેના પર વધારે નિયંત્રણ લાવી શકતા નથી. ભારત પાસે પાકિસ્તાન પછીની મેચ માટે ૬ દિવસનો સમય હતો. કેપ્ટન વિરાટ કોહલીએ આ લાંબા સમયની થાકનો સામનો કરવા માટે ઉપયોગી ગણાવ્યા હતા, પરંતુ ગઈકાલે મેચ પહેલા થયેલા ટોસને મૂર્ખામીભર્યો ગણાવ્યો છે.
બુમરાહે એમ પણ કહ્યું કે, અમે લોકો સતત ૬ મહિનાથી ક્રિકેટ રમીએ છીએ અને ઘરથી દૂર છીએ. ક્યાંકને ક્યાંક, આ વાત તમારા મગજ પર રહે છે. બીસીસીઆઈએ આ દિશામાં બનતી તમામ કોશિશો કરી. પરંતુ જ્યારે તમે પરિવારથી અલગ બાયોબબલમાં લાંબો સમય વિચાવો છો તો આ વાત ઘણી વખત તમારા મગજ પર આવે છે. બબલમાં સતત રહેવાથી માનસિક રીતે ખેલાડી થાકી જાય છે.
પહેલા ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ, આ પછી ઈંગ્લેન્ડ સામેની સીરિઝ અને ટીમ ઈન્ડિયાએ સતત બાયોબબલમાં રહેવું પડ્યું જેના કારણે તેની ખેલાડીઓ પર માનસિક અને શારીરિક અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારતની ન્યૂઝીલેન્ડ સામે થયેલી મેચની હારનું મોટું કારણ ભારતની કંગાળ બેટિંગ મનાય છે. જે અંગે બુમરાહે કહ્યું કે, “૨૦-૩૦ જેટલા વધારે રનની જરુર હતી જેના માટે બેટ્સમેનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ સફળતા ના મળી.
બીજી ઈનિંગ્સમાં બેટિંગ વધારે સરળ થઈ જતી હોય છે, આવામાં બોલરો દ્વારા વિરોધી ટીમને રોકવાના પ્રયાસ કરાતા હોય છે પરંતુ તેઓ વધારે અટેકિંગ મુડમાં રવાનું પસંદ કરે છે.” મેચની સ્થિતિ અંગે અમે સંપૂર્ણપણે વાકેફ હતા અને તે અંગે સ્પષ્ટ પણ હતા.
વધુ રનની જરુર હતી તેવું કહ્યા બાદ બુમરાહે કહ્યું, ૨૫-૩૦ રન વધારે કરવા પણ તે સરળ નહોતું પરંતુ અલગથી તમારે જવાબદારી લેવી પડતી હોય છે. આવી સ્થિતિમાં સાંજની મેચમાં હંમેશા ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ લેવાનું પસંદ કરતી હોય છે.SSS