કોરોના કામગીરીનું ચુકવણું ના કરાતા મોટી સંખ્યામાં બહેનોનો હલ્લા બોલ

માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી
પાલનપુર, બનાસકાંઠા જીલ્લામાંથી મોટી સંખ્યામાં આશા વર્કરો એક થઈને પડતર માંગણીઓને લઈને પાલનપુર ખાતે વિશાળ રેલી યોજી નાયબ કલેકટરને પત્ર પાઠવ્યું હતું. કલેકટર કચેરી ખાતે નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગણીઓ નહીં સંતોષાય તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં પાયાની કામગીરી કરતીઆશા વર્કરો અને ફેસીલીટર બહેનોને કોરોના કામગીરીનુું ચુકવણું એપ્રિલથી જૂનનું આવેલ નથી. ગત જુલાઈથી ડીસેમ્બર સુધી જ થયેલ છે. પ૦ ટકા પગાર વધારો એપ્રિલથી અત્યાર સુધીનો બાકી હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનું ઈન્સેટીવ માર્ચથી અત્યાર સુધીનું બાકી છે
જયારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પૂરતા સાધનોના અભાવે પોતાના જીવ ના જાેખમે કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર્સ બનીને કામગીરી કરી હતી એના વળતર રૂપે આશા વર્કર બહેનોને માસિક રૂા.૧૦૦૦ એક હજાર રૂપિયા અને ફેસિલીટર બહેનોને માસીક પ૦૦ જેટલું મામુલી પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી બહેનોને પોતાના અને પોતાના પરિવારના જીવ ના જાેખમે કામગીરી કરી હતી તેનું ચુકવણું કરવામાં આવેલ નથી.
અધિકારીઓના મસમોટા પગારોનું ચુકવણું નિયમિતપણે કરી નાખવામાં આવે છે જયારે પાયાની કામગીરી કરનારી બહેનોના ચુકવણા કરવામાં ઢીલી નીતિ છે. સમયસર વળતર ન ચુકવાતા બહેનોની આર્થિક પરિસ્થિતિ કફોડી બનવા પામી છે. દેશમાં લોકો દિવાળીના ઉત્સવની ધામધુમથી તૈયારીઓ થઈ રહી છે
જયારે બહેનોને પોતાના કામનું વળતર સમયસર ન મળતા આગામી તહેવારમાં બહેનો કઈ રીતે પરિવાર સાથે ઉજવશે ? ગતરોજ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ ચંદ્રીકાબેન (વડોદરા)ની આગેવાનીમાં બ.કા. જીલ્લા આશા ફેસીલીટર પ્રમુખ પિન્કીબેન પરમારની અધ્યક્ષતામાં બ.કા.જીલ્લાની બહેનો મોટી સંખ્યામાં પાલનપુર ખાતે આવી રેલી યોજીને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદન પાઠવ્યું હતું.