ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં મલય ઠક્કરે મેદાન માર્યું

મોડાસા, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલટેનિસ સમિતિના ઉપક્રમે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં સુરતના મલય ઠક્કર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા કેમ કે તેમણે મેન્સ 49-59 કેટેગરીમાં ત્રણ ટાઇટલ જીત્યા હતા.
મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલય ઠક્કરે અમદાવાદના હિરલ મહેતાને 11-7, 11-8, 11-9થી હરાવ્યા હતા જ્યારે મેન્સ ડબલ્સમાં મલય અને મહેશ હિંગોરાણી (કચ્છ)એ મળીને વડોદરાના સતીષ પટેલ અને સુરતના ચંદ્રકાન્ત કંથારિયાની જોડીને 11-7, 12-10, 4-11, 11-5થી હરાવી હતી.
મિક્સ ડબલ્સમાં મલય અને અમદાવાદના નેહા પટેલે બે ગેમ પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને વડોદરાના રિશી શર્મા અને શુભાંગી હાર્ડિકરની જોડીને 9-11, 10-12, 11-8, 11-3, 12-10થી હરાવી હતી. મોડાસાની જે બી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયેલી ફાઇનલ મેચ રોમાંચક રહી હતી.
જોકે નેહા પટેલ બે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા કેમ કે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ભાવનગરના સોનલ જોશી સામે તેમનો 6-11, 12-14, 11-8, 6-11થી પરાજય થયો હતો. 39-49 કેટેગરીમાં સિકંદર જામ, ગૌરવ દોશી અને પ્રસુન્ના પારેખે બે બે ટાઇટલ જીત્યા હતા.
રાજકોટના સિકંદર જામે તેમના જ સાથી અને ડબલ્સ પાર્ટનર ગૌરવ દોશી સામે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં 11-5, 11-9, 12-10થી વિજય હાંસલ કર્યો હતો. સિકંદર જામ અને ગૌરવ દોશીની જોડીએ વડોદરાના મલય પરીખ અને અમદાવાદના કુનાલ પટેલની જોડી સામે 11-7, 9-11, 11-1, 11-9થી વિજય હાંસલ કરીને ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.
ગૌરવે મિક્સ ડબલ્સમાં અમદાવાદના પ્રસુન્ના સાથે મળીને અમદાવાદના અમીશ પટેલ અને વડોદરાની શીતલ શાહ સામેની મિક્સ ડબલ્સની ફાઇનલ મેચ 11-7, 11-6, 11-8થી જીતી હતી.
પ્રસુન્નાએ વિમેન્સ સિંગલ્સની ફાઇનલ જીતવા માટે શીતલ શાહને 12-10, 11-7, 11-6થી હરાવ્યા હતા. વિમેન્સ ડબલ્સમાં સોનલ જોશીએ ગાંધીનગરના દિવ્યા પંડ્યા સાથે જોડી બનાવીને અમદાવાદના ચૈતાલી ઉદેશી અને પ્રસુન્નાની જોડીને ફાઇનલમાં 11-4, 11-9, 11-6થી હરાવી હતી.
મહત્વના પરિણામોઃ
મેન્સ 39-49 સિંગલ્સઃ સિકંદર જામ જીત્યા વિરુદ્ધ ગૌરવ દૌશી 11-5, 11-9, 12-10
વિમેન્સ 39-49 સિંગલ્સઃ પ્રસુન્ના પારેખ જીત્યા વિરુદ્ધ શીતલ શાહ 12-10, 11-7, 11-6
મેન્સ 39-49 ડબલ્સઃ સિકંદર જામ-ગૌરવ દોશી જીત્યા વિરુદ્ધ મલય પરીખ/કુનાલ પટેલ 11-7, 9-11, 11-1, 11-9
વિમેન્સ 39થી વધુ વય ડબલ્સઃ સોનલ જોશી/દિવ્યા પંડ્યા જીત્યા વિરુદ્ધ ચૈતાલી ઉદેશી/પ્રસુન્ના પારેખ 11-4, 11-9, 11-6
મિક્સ 39-49 ડબલ્સઃ ગૌરવ દોશી/પ્રસુન્ના પારેખ જીત્યા વિરુદ્ધ અમીશ પટેલ/શીતલ શાહ 11-7, 11-6, 11-8
મેન્સ 49-59 સિંગલ્સઃ મલય ઠક્કર જીત્યા વિરુદ્ધ હિરલ મહેતા 11-7, 11-8, 11-9
વિમેન્સ 49-59 સિંગલ્સઃ સોનલ જોશી જીત્યા વિરુદ્ધ નેહા પટેલ 11-6, 14-12, 8-11, 11-6
મેન્સ 49-59 ડબલ્સઃ મલય ઠક્કર /મહેશ હિંગોરાણી જીત્યા વિરુદ્ધ સતીષ પટેલ/ચંદ્રકાન્ત કંથારિયા 11-7, 12-10, 4-11, 11-5
મિક્સ 49-59 ડબલ્સઃ મલય ઠક્કર /નેહા પટેલ જીત્યા વિરુદ્ધ રિશી શર્મા/શુભાંગી હાર્ડિકર 9-11, 10-12, 11-8, 11-3, 12-10
મેન્સ 59-64 સિંગલ્સઃ હરેશ રાઠોડ જીત્યા વિરુદ્ધ યોગેશ શાહ 10-12, 15-13, 11-5, 7-11, 11-4
વિમેન્સ 59થી વધુ વય સિંગલ્સઃ ડૉ. માયા પટેલ જીત્યા વિરુદ્ધ કોકીલા પટેલ 12-10, 12-10, 11-8
મેન્સ 59-64 ડબલ્સઃ હરેશ રાઠોડ/કિરીટ સોલંકી જીત્યા વિરુદ્ધ પ્રકાશ મોજીદરા/રણજીત નાગડીયા 11-7, 10-12, 13-11, 11-9
મિક્સ 59થી વધુ ડબલ્સઃ નાજમી કિનખાબવાલા/કોકીલા પટેલ જીત્યા વિરુદ્ધ બીએસ વાઘેલા/ગિરિજા કાબરા 11-7, 11-7, 16-14
મેન્સ 64-69 સિંગલ્સઃ કેજી પુરોહિત જીત્યા વિરુદ્ધ પ્રશાંત બુચ 8-11, 2-11, 11-6, 11-8, 11-4
મેન્સ 64થી વધુ વય ડબલ્સઃ દિલીપ શાહ /નાઝમી કિનખાબવાલા જીત્યા વિરુદ્ધ કેજી પુરોહિત /બીએસ વાઘેલા 10-12, 11-8, 12-10, 8-11, 14-12
મેન્સ 69થી વધુ સિંગલ્સઃ દિલીપ શાહ જીત્યા વિરુદ્ધ પ્રકાશ રાવલ 11-5, 11-3, 11-5