મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટકયા, 60 ફોન અને 6 લાખની રોકડાની ચોરી
તહેવારોનો બંદોબસ્ત-પેટ્રોલીંગ, રાત્રિ કફર્યુ છતાં ગુનેગારો બેખોફ : CCTV તોડી, ડીવીઆર સાથે લઈ ગયા, મોબાઈલ ફોન ચોરી તેના ખાલી ખોખા ત્યાં જ છોડ્યા
રાજકોટ, દિવાળીના આગલા દિવસે જ તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. શહેરનાં ગોંડલ રોડ પર આવેલા ફોનવાલે મોબાઈલ શોરૂમમાં ગત રાત્રે તસ્કરો ઘુસ્યા હતા અને તિજોરીમાં રાખેલી 6 લાખની રોકડ અને 60 મોબાઈલ ચોરી ગયા હતા. તસ્કરો શટર કે તાળા તોડી ઘુસ્યા નહોતા પરંતુ ફોનવાલેની બાજુમાં આવેલા રામદેવ મોબાઈલના ગોડાઉનમાંથી થઈ, ફોનવાલે શો રૂમની ઉપર પહોંચી ત્યાંથી પીઓપી તોડી અંદર ઘુસ્યા હતા. તસ્કરો સીસીટીવી તોડી ડીવીઆર સાથે લઈ ગયા છે.
મોબાઈલ ફોન ચોરી તેના ખાલી ખોખા ત્યાં જ છોડી ગયા છે. ઉપરાંત ટીવી જેવી ઈલેકટ્રોનીક વસ્તુઓ પણ તસ્કરો ચોરી ગયાની શંકા છે. શો રૂમ માલીક કેટલી મત્તા ચોરાઈ તે અંગે ખાતરી કરી ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળે છે. પોલીસને માહિતી અપાતા એસીપી જે.એસ. ગેડમ, માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ કે.એન.ભુકણ, પોલીસ સ્ટાફ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડી ગઈ હતી અને તસ્કરોને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા.
શો રૂમમાં પ્રવેશેલા તસ્કરો મોબાઈલ ફોન ચોરી ગયા છે સાથે તિજોરીમાં રાખેલા વેપારના 6 લાખ રૂપિયા પણ તસ્કરો લઈ ગયા છે. આ અંગે તપાસ કરતા પોલીસને જોવા મળ્યું છે કે, તિજોરીને તોડવામાં નથી આવી, કે તિજોરીમાં કોઈ બળ કરી ખોલવા પ્રયત્ન નથી થયો, તેવા કોઈ નિશાન પણ જોવા નથી મળ્યા, તસ્કરોએ આસાનીથી તિજોરી ખોલી છે, જેથી આ તસ્કરો જાણભેદુ જ હોવાની શંકાએ પોલીસે શો રૂમના કર્મચારીઓ, આસપાસની દુકાનના કર્મચારીઓની પૂછપરછ હાથધરી છે.
તસ્કરો રાત્રે શો રૂમમાં ઘુસ્યા ત્યારે પરથ સીસીટીવી કેમેરા તોડ્યા હતા, કારણ કે, પોલીસે તપાસ કરતા તમામ સીસીટીવી ડેમેજ જોવા મળ્યા છે. આ ઉપરાંત સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા છે. જેથી પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો થોડો કઠિન બનશે.
માલવીયા નગર પોલીસના પીઆઈ કે.એન. ભુકણએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. શો રૂમના સીસીટીવી તોડી ડીવીઆર લઈ જવામાં આવ્યું છે તેથી આસ પાસમાં આવેલ સીસીટીવી તપાસીએ છીએ, માલવીયા પોલીસનો સ્ટાફ આ એ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ મળી જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરાઇ છે. આ માટે ઘટના સ્થળે તપાસ માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ છે.