મોડાસાના રાજપુર ગામના આંગણે રામદેવજી મંદિરે વય નિવૃત્તિ નિમિત્તે ગામની ૧૧૧થી વધુ દીકરીઓને સન્માનવાનો અનોખો કાર્યક્રમ યોજાયો
કોઈપણ વયની ગામની તમામ દીકરીઓને એક સ્ટેજ ઉપર બેસાડી સંતો-મહંતોના હસ્તે ભાવવિભોર સન્માન
મોડાસા, મોડાસા તાલુકાના રાજપુર (મહાદેવ ગ્રામ)ગામે ગામના પનોતા પુત્રના માધ્યમિક શાળામાં દીર્ઘકાલીન સેવાઓ આપી નિવૃત્ત થવાના અવસરે એક અનોખો ગામની તમામ વયની ૬૬ પરિણીત અને ૪૫ કુંવારી મળી ૧૧૧ દીકરીઓને બોલાવી
એમનું ભવ્ય અને ભાવભીનું સન્માન કરવાનો એક રૂડો અવસર સંતો-મહંતોના આશીર્વચનો સાથે અને અડા આઠમ આંજણા સમાજના સૌ શ્રેષ્ટિઓને નોતરીને યોજાતા મંદિર પરિસરમાં જાણે અલૌકિક માહોલ સર્જાયો હતો.
મહાદેવગ્રામની માધ્યમિક શાળામાંથી દીર્ઘકાલીન સેવાઓ આપીને નિવૃત્ત થયેલા રાજપુર ગામના પનાભાઈ લવજીભાઈ પટેલ પરિવાર દ્વારા યોજાયેલા આ ગામની દીકરીઓને સન્માનવાના આ વિશિષ્ટ કાર્યક્રમમાં દેવરાજધામના મહંત ગોસ્વામી ધનગીરી બાપુ અને મોટી ઇસરોલના રામદેવજી ઉપાસક પૂજ્ય હીરાદાદાએ આ મંગલ અવસરે દિકરીઓનું સન્માન કરી આશિર્વચન પાઠવ્યા હતા અને પનાભાઈ આ દીકરીઓને ફૂલહારથી અને મોમેન્ટો આપીને એક જ સ્ટેજે બેસાડીને સન્માનવાનો યોજેલ અનોખા કાર્યક્રમને બિરદાવીને સંતવાણીનો સૌને લાભ આપ્યો હતો.
વય નિવૃત્ત પનાભાઈની સેવાઓને બિરદાવવામાં આવી હતી અને સમાજના ઉપસ્થિત આગેવાનો અને સ્નેહીઓ,મિત્રો,શુભેચ્છકો , સહાધ્યાયીઓએ પણ એમનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી.
પનાભાઈના પુત્રો અજયકુમાર અને વિજયકુમાર અને પરિવારે પિતાની નિવૃત્તિ નિમિત્તે દીકરીઓને સન્માનવાનો આ કાર્યકમ આયોજિત કર્યો હતો. ગામની દીકરીઓ શિક્ષિકા બહેનો ભાવનાબેન,શારદાબેન ,ભાણી હેલી વગેરે પણ આ વેળાએ સન્માનનો પ્રત્યુર આપતા ભાવ વિભોર બની ગઈ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા પરિવાર સાથે ગામના ઉત્સાહી યુવાનો અને ગ્રામજનોએ ખભેખભા મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી.આભાર વિધિ નિમિષાબેન રશ્મિક કુમાર પટેલ અને સંચાલન મહેશભાઈ પ્રજાપતિ (નવા)એ કરી હતી.