પોલીસની ગેરકાયદેસર રહેતા વિદેશીઓ પર નજર
નવી દિલ્હી, રાજધાનીમાં આતંકવાદી હુમલાની આશંકાઓ વચ્ચે પોલીસે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે અને અવધિ સમાપ્ત થયા છતાં રોકાયેલા વિદેશીઓનો ડેટા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીમાં કેટલાય હજાર જેટલા વિદેશીઓ ગેરકાયદેસર રીતે વસી રહ્યા છે. અનેક વિદેશીઓ એવા છે જેમની રોકાવાની અવધિ સમાપ્ત થઈ ગઈ છે.
પાકિસ્તાની નાગરિક મો. અશરફ પકડાયો ત્યાર બાદ દિલ્હી પોલીસે આ પગલું ભર્યું છે. એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે વિદેશી નાગરિકોને શોધવાનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયના આદેશ બાદ વિદેશી ક્ષેત્રીય પંજીકરણ કાર્યાલય (એફઆરઆરઓ)એ દિલ્હીમાં ગેરકાયદેસર રીતે અને સમય અવધિ સમાપ્ત થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકોની યાદી પોલીસને મોકલી આપી છે.
દિલ્હી પોલીસે દરેક જિલ્લામાં રહેતા વિદેશી નાગરિકોની યાદી જિલ્લા ડીસીપીને મોકલી છે. જિલ્લા ડીસીપીએ તમામ થાણાધ્યક્ષોને આ યાદી મોકલી આપી છે. થાણા પોલીસ પોતાના વિસ્તારમાં રહેતા વિદેશી નાગરિકોને શોધી રહી છે અથવા તો વેરિફિકેશન કરી રહી છે.
દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં બેઠેલા એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ જિલ્લામાં કુલ ૬૫ વિદેશીઓ સમય અવધિ સમાપ્ત થયા બાદ પણ રોકાયેલા છે. તેમાં સૌથી વધારે ૫૧ નાગરિક અફઘાનિસ્તાન, ૫ બાંગ્લાદેશ અને ૪ યુગાન્ડાના છે.
અફઘાનિસ્તાનના સૌથી વધારે ૨૩ નાગરિકો હજરત નિઝામુદ્દીન અને ૨૨ લાજપત નગરમાં વસી રહ્યા છે. દક્ષિણ-પૂર્વ જિલ્લામાં કેટલાય વિદેશીઓ ગેરકાયદેસર રીતે પણ વસી રહ્યા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાનની કુખ્યાત ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો આતંકવાદી મો. અશરફ આશરે ૧૮ વર્ષ સુધી ભારતમાં રહ્યો હતો. તે અહીં આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.SSS