અડવાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોનું અકસ્માતમાં મોત
નવી દિલ્હી, ભાજપના પીઢ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની સુરક્ષા ફરજ પર તૈનાત એનએસજી કમાન્ડો ૩૧ વર્ષીય પોરેશ બિરુલીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ પોરેશ ત્રણ દિવસની રજામાં ગુરુવારે સાંજે ઘરે પહોંચ્યા હતા અને પરિવાર અને બાળકો સાથે દિવાળીમાં ફટાકડા પણ ફોડ્યા હતા.
ત્યારબાદ તેમના મામા ભાઈ સાથે બાઈક પર મિત્રને મળવા ગયા હતા. દરમિયાન રાત્રે ૧૦થી ૧૧ વાગ્યાની વચ્ચે ચાઈબાસા રેલ ઓવર બ્રિજ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે તેમના મામાનો પુત્ર રાજા તિયુ પણ તેમની સાથે હતો.
પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇક પર સવાર બંનેને કચડી નાખ્યા હતા. જેથી તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એનએસજી કમાન્ડો પોરેશ બિરુલીના પરિવારને શુક્રવારે સવારે પોલીસ દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી.
આ પછી ગામના લોકો તેમની પત્ની શુરુ બિરુલી, બહેન અને ભાઈ સાથે સદર હોસ્પિટલ પહોંચ્યા. પોરેશને એક ૭ અને બીજી ૪ વર્ષની દીકરી છે છે. પોરેશ બિરુલીની પત્ની શુરુ ઝારખંડ સ્ટેટ લાઇવલીહુડ પ્રમોશન સોસાયટીમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ કરે છે. પત્નીએ જણાવ્યું કે ગુરુવારે સાંજે તેમના પતિ ૩ દિવસની રજા પર ઘરે આવ્યા હતા.
થોડો સમય ઘરમાં રહ્યા બાદ તેઓ મામાના દીકરા સાથે ઘરની બહાર નીકળ્યા હતા. રાત્રે ૧૦ વાગ્યાના સુમારે તેમની સાથે ફોન પર વાત પણ કરી હતી, તેમણે થોડીવારમાં ઘરે પરત આવવાની વાત કરી હતી. પરંતુ આખી રાત કોઈ પત્તો લાગ્યો ન હતો અને સવારે અકસ્માતની જાણ થઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને બાઇક સવારો ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ ભારે વાહનની ટક્કરથી તેઓ બાઇક પરનું સંતુલન ગુમાવી બેઠા અને ફ્લાયઓવર પર બંને બાઇક સાથે દૂર સુધી ઢસડાયા હતા. બંનેમાંથી કોઈએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના દિવાળીની રાત્રે બની હતી જ્યારે શહેરમાં કોઈ એન્ટ્રી ન હતી. દિવાળીના કારણે રાતભર ભારે વાહનો માટે નો એન્ટ્રી રાખવામાં આવી હતી. તેમ છતાં રોડ પરની ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ કર્મચારીઓ પૈસા લઈને નો એન્ટ્રીમાં ભારે વાહનોને ગેરકાયદેસર રીતે ક્રોસ કરે છે. જેના કારણે મોટો અકસ્માત થયો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પોલીસ પ્રશાસન સામે ભારે રોષ છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંને યુવકોના મૃતદેહને રસ્તા પરથી ઉપાડ્યા અને સદર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં તેમની ઓળખ થયા બાદ પરિવારજનો સદર હોસ્પિટલ પહોંચ્યા અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કમાન્ડો અને તેમના ભાઈના મોતથી દિવાળીની ખુશી ઘરમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.SSS