મણિપુરમાં કોંગ્રેસના વિધાયકો ભાજપમાં જોડાયા
નવી દિલ્હી, કોઈ માને કે ન માને પરંતુ, અત્યારે તો ગ્રાન્ડ-ઓલ્ડ-પાર્ટી તેવી વિશ્વભરની જૂનામાં જૂની પોલિટિકલ પાર્ટીઝ પૈકીની એક કોંગ્રેસમાં બધું ‘બરાબર’ ચાલતું નથી. તેમ લાગે છે. કોંગ્રેસ માટે ખેદની વાત તો તે છે કે, તેની સ્થિતિ ‘એક-સાંધે-ત્યાં તેર-તૂટે’ તેવી થઇ ગઈ છે.
પંજાબમાં હજી ભારેલો અગ્નિ રહેલો છે. મહારાષ્ટ્રમાં તેનો ગજ બહુ વાગતો નથી. ઉત્તર પ્રદેશમાં, સ.પા. કે બસપા સાથેનાં જોડાણની વાત તો ડીંગાતી જ રહી છે. જ્યારે બંગાળમાં ‘દીદી’ સુંદરવનમાં વાઘણની જેમ ઘૂઘવાટ કરી રહ્યાં છે. જો ભાજપ વિરોધી પક્ષોનું સંગઠન યોજાય તો, તેમાં તેઓ ગ્રાન્ડ-ઓલ્ડ-પાર્ટીનાં પ્રમુખ, શ્રીમતી સોનિયા ગાંધીને પણ પાછળ રાખી પોતે જ તે સંગઠનનું નેતૃત્વ લેવાનાં છે તેમ આંતર-પ્રવાહો દ્વારા જાહેર કરી દીધું છે.
આટલું ઓછું હોય તેમ મણિપુરમાં પક્ષમાં વમળો શરૂ થઇ ગયાં છે. કોંગ્રેસનાં ‘અંતરિમ-અધ્યક્ષ’ શ્રીમતી સોનિયા ગાંધીએ મંગળવારે દિલ્હીમાં, પોતાનાં નિવાસસ્થાને મણિપુરના નેતાઓ સાથે વાતચીત કરી હતી. રાજ્યની રાજકીય સ્થિતિ વિષે પણ ચર્ચા કરી.
આ અંગે, કોંગ્રેસ મહાસમીતી (AICC) ના મણિપુરના પ્રભારી ભક્ત ચરણ દાસે, પત્રકારોને જણાવ્યું હતુ કે તે ચર્ચા આગામી વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગેની હતી. આ ચર્ચા દરમિયાન અમે અમારો દ્રષ્ટિકોણ સોનિયાજી સમક્ષ રજૂ કર્યો હતો. આ લંબાણયુક્ત ચર્ચા સૌહાર્દપૂર્ણ રહી હતી. જેમાં સોનિયાજીએ આગામી વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠક લગભગ ૪૦ મીનીટ સુધી ચાલી હતી. આ બેઠક પૂર્વે અમે પક્ષના વરીષ્ઠ નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી.
જો કે સોનિયાજી સાથેની આ બેઠક સમયે રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. આ બેઠકમાં મણીપુર રાજ્યની વિધાનસભાનાં કોંગ્રેસ વિધાયક દળ (CLP) ના નેતા, મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્યક્ષ કેટલાક અન્ય વિધાયકો તથા વરીષ્ઠ પર્યવેક્ષક જયરામ રમેશ તથા મણિપુર માટેના કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણદાસ ઉપસ્થિત હતા.
આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્ય વિધાનસભામાં ૬૦ બેઠકો છે. રાજ્યમાં ભાજપ અત્યારે સત્તા પર છે.
રાજ્યમાં કોંગ્રેસ પક્ષના બે વિધાયકો, પક્ષ છોડી ભાજપમાં ભળી ગયા છે. તેમાં રાજકુમાર ઇમો સિંહ તથા આથૌન્ગ હૌકીય સમાવિષ્ટ છે. આંતરિક પ્રવાહો તેમ જણાવે છે કે આ પ્રવાહ અટકે તેમ નથી. હજી પણ વધુ વિધાયકો કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી શકે તેમ છે.
આ સંયોગોમાં સોનિયા ગાંધી રાજ્યમાં પક્ષને એક અને અખંડ રાખવા પ્રયત્નો કરે જ તે સહજ છે.