કોવેક્સિન લેનાર ભારતીયોને 22મી નવે.થી યુકેમાં ક્વોરન્ટાઈન થવામાંથી મુક્તિ

લંડન, યુનાઈટેડ કિંગડમ ગવર્નમેન્ટે ભારતની કોરોના રસી કોવેક્સિનને માન્યતા ધરાવતી રસીની યાદીમાં સમાવેશ કર્યો છે. જેને પગલે કોવેક્સિન રસીના ડોઝ લેનાર આંતરાષ્ટ્રીય મુસાફરોને હવે યુકેમાં ક્વોરન્ટાઈન થવામાંથી મુક્તિ મળશે.
તાજેતરમાંજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. કોવેક્સિનનું ઉત્પાદન ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા કરવામાં આવે છે. અગાઉ યુકેએ ભારતની કોવિશીલ્ડને માન્યતા ધરાવતી રસીની યાદીમાં સમાવેશ કર્યો હતો.
બ્રિટનમાં ભારતના હાઈકમિશનર એલેક્સ એલિસ જણાવ્યું હતું કે, 22 નવેમ્બરથી કોવેક્સિન રસી લેનાર તમામ ભારતીય મુસાફરોને યુકેમાં સેલ્ફ-આઈસોલેટ થવાની જરૂર નહીં રહે. 22મીથી આ નિયમનો અમલ શરૂ થશે.
કોવેક્સિન ઉપરાંત ડબલ્યુએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ચીનની સિનોવેક અને સિનોફાર્મને યુકે સરકારે મંજૂરી આપી છે. યુકે સરકારના આ નિર્ણયને પગલે યુએઈ અને મલેશિયાથી આવતા મુસાફરોને પણ ક્વોરન્ટાઈન થવામાંથી રાહત મળશે.
યુકે અગાઉ ઓસ્ટ્રેલિયાએ પણ ભારતની કોવેક્સિનનો માન્ય ટ્રાવેલ લિસ્ટમાં સમાવેશ કરતા ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતા મુસાફરો જેમણે કોવેક્સિનનો ડોઝ લીધો હશે તેમને ક્વોરન્ટાઈન થવામાંથી છૂટકારો મળશે. યુકે સરકારે 18 વર્ષથી નીચેના બાળકો માટે ટ્રાવેલ કરવાના નિયમો પણ હળવા કર્યા છે.
18 વર્ષથી નીચેની ઉંમરના તમામ બાળકોને સંપૂર્ણ વેક્સિનેટેડ થયા હોવાનું માનવામાં આવશે અને તેમને પણ સેલ્ફ આઈસોલેશનાંથી મુક્તિ આપવામાં આવશે.