Western Times News

Gujarati News

શીલજમાં “આયુષ માનવ” થીમ આધારીત આરોગ્યવન બનાવવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દસ લાખ કરતા વધુ વૃક્ષ લગાવવામાં આવી રહ્યા છે. જે પૈકી ૭૦થી ૮૦ ટકા વૃક્ષનો સારી રીતે ઉછેર થઈ રહ્યો છે. જેના પરીણામે, શહેરના ગ્રીન કવચમાં નોંધપાત્ર વધારો થયો છે.

શહેરમાં કોરોનાકાળ દરમ્યાન મનપા દ્વારા નાગરીકોને ઘરે બેઠા રોપા લગાવી આપવામાં આવ્યા હતા તેમજ તુલસી, ગીલોચ, અશ્વગંધા જેવા ઔષધીય રોપાના પણ વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનાના કપરાકાળ અને કેવડીયામાં તૈયાર થયેલ વનને ધ્યાનમાં લઈ મ્યુનિ.કોર્પાેરેશને પણ “આરોગ્ય વન” તૈયાર કરવા નિર્ણય કર્યા છે. જેમાં માથાથી પગ સુધી તમામ રોગના ઔષધીય રોપાનો ઉછેર કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મતવિસ્તાર શીલજમાં “આરોગ્ય વન” તૈયાર કરવામાં આવશે. મ્યુનિ. બગીચા વિભાગના ડાયરેક્ટર જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા મુજબ શીલજ ગામ તળાવ પાસે અંદાજે ૨૨ હજાર ચોરસ મીટર જમીન પર કેવડીયાના ધોરણે આરોગ્યવન બનાવવામાં આવશે.

જેનું કામ ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ બાદ શરૂ થશે અને લગભગ એક વર્ષમાં પૂર્ણ થઇ જશે. મ્યુનિ.કોર્પાેેરેશન દ્વારા તૈયાર થનાર આરોગ્યવનની થીમ “આયુષ્ય માનવ” રહેશે. જેમાં માનવીય શરીરના દરેક અંગ માટે ઉપયોગી વનસ્પતિનો ઉછેર કરવામાં આવશે. બ્રાહી, નગોડ, તુલસી, હાડસાંકળ, અરડુસી, અર્જુન સાદડ, મરડાસીંગ જેવી ૬૦ કરતા વિવિધ જાતના પાંચ હજાર કરતા વધુ રોપા લગાવવામાં આવશે.

નાગરીકોને આયુર્વેદ અંગે સમજ આપવામાં આવશે. શીલજ ગામ તળાવ પાસે તૈયાર થનાર “આરોગ્ય વન” માટે અંદાજે રૂા.૭.૫૦ કરોડનો ખર્ચ થશે. આરોગ્યવનમાં ઔષધીય વનસ્પતિ ઉપરાંત અલગ-અલગ કલર આધારીત ટ્રીટમેટ પણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. આરોગ્યવનમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ માટે “ગાર્ડન ઓફ કલર” પણ તૈયાર થઈ સકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, શહેરના ગ્રીન કવરમાં વધારો થાય તે માટે મનપા દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી “મીશન મીલીયન ટ્રીઝ”ના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે પણ ગોતા અને બાપુનગર ખાતે એક જ દિવસે મોટા સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. શહેરમાં વિકાસના નામે આડેધડ વૃક્ષો કાપવામાં આવતા હતા તેની સંખ્યા ઘટાડવા તેમજ મોટા વૃક્ષોને રી-પ્લાન્ટ કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.