જમ્મુ કાશ્મીરમાં CRPFની ૫ કંપનીઝ મોકલવા નિર્ણય
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોની સતત થઈ રહેલી હત્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હકીકતે ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની ૫ એડિશનલ કંપનીઝ મોકલવાનો ર્નિણય લીધો છે.
આ કારણે રાજ્યમાં હવે સુરક્ષા દળોની કુલ કંપનીઝની સંખ્યા ૫૫ થઈ જશે. ઉચ્ચ અધિકારીઓના કહેવા પ્રમાણે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં બીએસએફની ૨૫ અને સીઆરપીએફની ૨૫ કંપનીઝ તૈનાત હતી. આ ર્નિણય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સુરક્ષા મુદ્દે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો.
અમિત શાહે ઓક્ટોબર મહિનાના અંતમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. જે રાજ્યમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરાયા બાદની શાહની પ્રથમ વખતની મુલાકાત હતી. છેલ્લા ૪૮ કલાકમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસ કર્મચારી સહિત ૨ હત્યાઓ કરવામાં આવી ત્યાર બાદ સીઆરપીએફ દ્વારા ૫ કંપનીઝ તૈનાત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આ તૈનાતી એક સપ્તાહમાં પૂર્ણ થઈ જશે. મતલબ કે, વધુ ૭૫૦૦ જવાનો તૈનાત કરવામાં આવશે જેઓ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવશે. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં ઘાટીમાં ૧૫ નાગરિકોની હત્યા કરવામાં આવી છે.
તેમાં કેટલાક બિનકાશ્મીરી યુવાનો પણ સામેલ છે. છેલ્લા થોડા સમયથી પિસ્તોલ દ્વારા ટાર્ગેટ કિલિંગમાં વધારો નોંધાયો છે. તેને પગલે મોટા ભાગના જવાનોને શ્રીનગર ખાતે તૈનાત કરવામાં આવશે જ્યાં નાગરિકોની હત્યાના વધારે કેસ સામે આવ્યા છે. તે સિવાય ઘાટીમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન પણ વધારી દેવાયા છે. શ્રીનગરમાં દરરોજ ૧૫,૦૦૦ લોકો અને ૮,૦૦૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સીસીટીવી, ડ્રોન સહિત તમામ ટેક્નિકનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.SSS