સરભાણઃ સગીરાની લાશ મળવાના પ્રકરણમાં ખુલાસોઃ બળાત્કાર કરી, ગળું દબાવી હત્યા
બળાત્કાર,હત્યા અને પોસ્કોના ગુનામાં પોલીસની પાંચ અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સરભાણ ગામે ૮ મી નવેમ્બરના રોજ સાંજના સમયે કપાસના ખેતરમાં એક સગીરાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.જેથી આમોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી સુરત ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની સાથે એફ.એસ.એલની મદદ લીધી હતી.આમોદ પોલીસે બનાવ અંગે અકસ્માત ગુનો નોંધી ઝીણવટભરી તપાસ આરંભી હતી.
આમોદ તાલુકાના સરભાણ ગામે રહેતી સગીરા ગામની સીમમાં લાકડા વીણવા માટે સાંજના સમયે ગઈ હતી અને લાકડાં વીણી ઘરે નાંખી ફરીથી લાકડાં વીણવા ગઈ હતી. ત્યારબાદ ૮ મી નવેમ્બરના રોજ સાંજના છ કલાકે કોઈ અગમ્ય કારણોસર જશવંતભાઈ પટેલના કપાસના ખેતરમાં તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી આમોદ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.આમોદ પોલીસે સગીરાની લાશનો સુરત ખાતેથી પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતાં તેમાં સગીરા સાથે બળાત્કાર કરી તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
જેથી આમોદ પોલીસે બળાત્કાર તેમજ હત્યા અને પોસ્કો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.નાયક ચલાવી રહ્યા છે. આમોદ તાલુકાના સરભાણ ગામે સગીરા સાથે બળાત્કાર કરી ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા.
તેમની સાથે તપાસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી. સરભાણ ગામે બળાત્કાર, હત્યા તેમજ પોસ્કોના ગુનાની તપાસ માટે પોલીસની પાંચ ટીમો કાર્યરત. સરભાણ ગામે સગીરા સાથે બળાત્કાર તેમજ ગળું દબાવી હત્યા કરવાના ગુનામાં તપાસ માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સ્થળ તપાસ માટે કપાસના ખેતરમાં પહોંચી ગયા હતાં.
ગુનાની તપાસ માટે પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ પોલીસની પાંચ અલગ અલગ ટીમો કાર્યરત બની હતી.