ગોરખપુરમાં પાક.નો ધ્વજ લગાવતા ચાર સામે ફરિયાદ
ગોરખપુર, યુપીના ગોરખપુરમાં કથિત પાકિસ્તાનનો ધ્વજ લગાવવાને લઈને વાતાવરણ તંગ બની ગયું છે. જિલ્લાના ચૌરીચૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના મુંડેરા બજારના વોર્ડ નંબર ૧૦માં મુસ્લિમ સમુદાયના ઘર પર પાકિસ્તાનનો ઝંડો લગાવવા મુદ્દે હિંદુવાદી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો.
પાકિસ્તાનનો ઝંડો લગાવવામાં આવ્યો હોવાની માહિતી મળતાં જ હિન્દુ સંગઠનનું ગુસ્સે ભરાયેલ ટોળું લઘુમતી સમુદાયના ઘરે પહોંચી ગયું હતું. આ દરમ્યાન રોષે ભરાયેલા હિન્દુ સમર્થકોએ ઘટનાસ્થળે પથ્થરમારો કરીને એક વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઘરનો દરવાજાે અંદરથી બંધ કરી દીધો હતો.
હંગામાની માહિતી મળતા જ ચૌરીચૌરા અને ઝગહાં પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એસપી નોર્થ મનોજ કુમાર અવસ્થીએ ઘટનાસ્થળે હંગામો કરી રહેલા હિન્દુ સંગઠનના લોકોને કાર્યવાહીનો ભરોસો આપીને માહોલ શાંત કરાવ્યો. તો હિન્દુ સંગઠન બ્રાહ્મણ જન કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કલ્યાણ પાન્ડેયની ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીઓ તાલીમ, પપ્પૂ, આશિક અને આરિફ પર રાજદ્રોહનો કેસ કર્યો છે.
એસપી નોર્થે જણાવ્યું કે હંગામાની સૂચના મળ્યા બાદ પોલિસે શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કર્યા અને વિવાદની જડ બનેલા ઝંડાને પોતાના કબજામાં લઈ લીધો. એસપી નોર્થ મનોજ અવસ્થીએ કહ્યું કે ઝંડો ઇસ્લામિક છે કે પાકિસ્તાનનો એની તપાસ કરવામાં આવશે. સાથે જ આરોપીઓના રેકોર્ડ પણ તપાસવામાં આવશે. જિલ્લામાં માહોલ બગાડવા માટે જવાબદાર આરોપી પર કડક કાર્યવાહી કરવામાં આવશે.SSS