વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગુજરાતીઓ બેદરકાર બન્યા
અમદાવાદ, ગુજરાતમાં તહેવારોમાં મોજશોખ કર્યા બાદ ૪ મહિના પછી પહેલીવાર એક દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા છે. તહેવારોમાં આપેલી છૂટછાટ બાદ ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં એક દિવસમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૬ કેસ નોંધાયા છે. એટલું જ નહીં પણ છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસ સામે ડિસ્ચાર્જ થતાં દર્દીઓનું પ્રમાણ ઘટી ગયું છે.
એટલે જ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યામાં વઘારો નોંધાઈ રહ્યો છે. નવા કેસ બાદ કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૧૫ પર પહોંચી ગઈ છે. આ તરફ ગુજરાતમાં અનેક લોકોએ વેક્સીનનો બીજાે ડોઝ લીધો ન હોવાનુ સામે આવ્યું છે. જાે વિસ્તારથી વાત કરીએ તો એક દિવસમાં અમદાવાદમાં ૧૬, સુરતમાં ૫, વલસાડમાં ૫, વડોદરામાં ૪, જૂનાગઢ, મોરબી, રાજકોટમાં કોરોનાના ૨-૨ કેસ નોંધાયા છે.
આ આંકડાઓ પરથી લાગે છે કે, તહેવારોમાં જે રીતે લોકો બિન્દાસથી ફર્યા, બજારોમાં ભીડ ઉમટી અને પ્રવાસન સ્થળો ફૂલ થયા માટે કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. કેમ કે, છેલ્લા ઘણા સમયથી નિયંત્રણો હળવા કર્યા છે, જે બાદ લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તેમ ફરી રહ્યા છે.
માટે ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ, દિવાળી બાદ રસીકરણ ધીમું થતા સુરતમાં તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતમાં રસીકરણને વેગ આપવા ૧૧૦ ટીમ બનાવી છે. સુરતમાં ૭ લાખ લોકોએ રસીનો બીજાે ડોઝ હજી સુધી લીધો નથી. ૧૧૦ ટીમ કાર્યરત કરી પ્રથમ દિવસે ૧૭૦૦ લોકોને રસી આપી છે.
પ્રથમ ડોઝ ના લીધો હોય કે બીજાે ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોને શોધીને ઘરે ઘરે જઈને રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં ૧૪૨ સેન્ટરો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. સુરતમાં પ્રથમ ડોઝની ૧૦૬ ટકા અને બીજા ડોઝની ૬૧ ટકા કામગીરી થઈ છે. જાેકે, મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આપણા દેશમાં કેસ વધ્યા નથી, પણ તેમ છત્તા કેન્દ્ર સરકાર ચિંતિત છે.SSS