શહેરમાં દેશી દારૂની હાટડીઓઃ પોલીસ અંધારામાં
ટ્રાફિક નિયમન કરતા દેશી દારૂથી વધુ પરિવારો બરબાદ થઈ રહયા હોવાની સોશિયલ મીડિયામાં વ્યાપક ટીકા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર સક્રિય હોવાનો દાવો કરવામાં આવી રહયો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે અને લોકોમાં રોષ ફેલાયો છે ગઈકાલે નિકોલમાં મહિલાઓએ જનતા રેડ કરીને પોલીસની પોલ ખોલી નાંખી છે અને હવે નાગરિકો જાતે જ આ બદીને ડામી દેવા માટે મેદાનમાં આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે સોશિયલ મીડિયા પર આ મુદ્દાને લઈ પોલીસ તંત્રની ભારે ટીકા થઈ રહી છે.
ગાંધીજીના ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં છુટથી લારીમા દારૂ વેચાય અને અત્યાર સુધી સ્થાનિક પોલીસ ના ધ્યાનમાં ન આવે તે માનવામાં ન આવે તેવી વાત છે પરંતુ નગ્ન સત્ય છે. તાજેતરમાં જ મેટ્રો સીટીમાં દેશી દારૂનો છુટથી વેચાણ થઈ રહેલાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે માત્ર દારૂની લારી જ નહી પણ હાટડી પણ દારૂ વેચતી જાવા મળે છે તથા દારૂની ભઠ્ઠી પણ હોવાનું કહેવાયું છે.
માત્ર રૂ.ર૦ માં દારૂની થેલી વેચાતી હોવાથી દારૂ પીનારા રશિયાઓની પડાપડી થતી હોવાનું પણ કહેવાય છે વીડીયો વાયરલ થતાં તથા ટી.વી. ચેનલમાં પ્રદર્શીત થતાં પોલીસ ભારે હરકતમાં આવી છે જે વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે તે જ વિસ્તારમાં તાજેતરમાં જ પોલીસે દરોડો પાડવા છતાં તેમને કશું જ હાથ આવ્યુ ન હતુ વીડીયો વાયરલમાં જે દારૂનુ વેચાણ કરતી હાટડી બતાવવામાં આવી છે તે પશ્ચિમ વિસ્તારમાં આવેલ વાસણા વિસ્તારની છે.
અમદાવાદ શહેરમાં વિદેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહયા હોવાનું ચિત્ર ઉપસી રહયુ છે આ ઉપરાંત માત્ર છારાનગરમાં જ દેશી દારૂના અડ્ડાઓ પર વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે જેના પરિણામે અન્ય વિસ્તારોમાં દેશી દારૂ વેચતા બુટલેગરોને મોકળુ મેદાન મળી ગયુ છે અમદાવાદ શહેરમાં અનેક સ્થળો પર દેશી દારૂના અડ્ડા ધમધમી રહયા છે.
ગઈકાલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠયો હતો અને હવે આવા દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવનાર છે. ગઈકાલે નિકોલમાં મહિલાઓએ પોલીસની કામગીરીના લીરેલીરા ઉડાડયા છે અને હવે અન્ય વિસ્તારોમાં પણ આજ પરિસ્પથિતિનું નિર્માણ થાય તેવી શકયતા નીહાળવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં વધતી જતી દેશી દારૂની બદીના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહયા છે સોશિયલ મીડિયામાં ટ્રાફિક નિયમન કરતા દેશી દારૂથી વધુ પરિવારો બરબાદ થઈ રહયા હોવાની ટીકાઓ થઈ રહી છે આ પરિÂસ્થતિમાં પોલીસતંત્ર દેશી દારૂના અડ્ડાઓ કયારે બંધ કરાવશે તે પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે.