૨૪ કલાકમાં અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી સતત ચાલુ છે અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર ચાલુ છે અને રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સેનાની ૯ રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે.
જ્યારે શ્રીનગરમાં અથડામણ પૂરી થઈ ગઈ છે. કુલગામમાં કાલે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બીજા આતંકીને પણ ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકી પાસેથી એકે-૪૭ રાઈફલ મળી આવી છે. આ અગાઉ કાલે સાંજે જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો.
કુલગામમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ હિજબુલના કમાન્ડર શિરાજ મૌલવી અને યાવર ભટ્ટ તરીકે થઈ છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચવલગામમાં ગુરુવારે બપોરે સુરક્ષાદળોને ૨થી ૩ આતંકીઓને મૂવમેન્ટની સૂચના મળી હતી.
ત્યારબાદ રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ સેનાની ૯ રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફ સાથે મળીને જાેઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તેઓ ન માન્યા અને જવાબી કાર્યવાહીમાં એક આતંકી ઠાર થયો.
ત્યારબાદ આજે સવારે એક આતંકી માર્યો ગયો. આ ઉપરાંત શ્રીનગરના બેમિનામાં પણ એક આતંકી માર્યો ગયો છે. જ્યાં સર્ચ ઓપરેશન હવે પૂરું થઈ ગયું છે. જમ્મુ કાશ્મીર રાજ્ય પોલીસના જણાવ્યા મુજબ શ્રીનગરમાં માર્યા ગયેલા આતંકીનું નામ આમિર રિયાઝ છે. જે મુજાહિદ્દીન ગઝવાતુલ હિન્દ નામના આતંકી સંગઠન સાથે જાેડાયેલો હતો. આમિર રિયાઝ તાજેતરમાં લેથપોરામાં થયેલા હુમલાને અંજામ આપનારા આતંકીનો સંબંધી હોવાનું કહેવાય છે.SSS