ચીને પીઓકેમાં સૈન્યની તૈનાતી વધારી, પાક. સૈન્યને તાલિમ આપવાનું શરૂ કર્યું
જમ્મુ, ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં સૈન્ય તૈનાત કર્યું છે. એટલું જ નહીં કાશ્મીરમાં ખતમ થઈ રહેલા આતંકવાદને ફરીથી બેઠો કરવા માટે તેણે પાકિસ્તાની સૈન્ય સાથે હાથ મિલાવ્યા છે.
વધુમાં ચીને નજીકના સમયમાં ગલવાન ઘાટી જેવા ‘નાના સંઘર્ષ’ની આશંકાએ શિયાળો શરૂ થવાની સાથે જ લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની એલએસી પર નિયુક્ત તેના સૈનિકો માટે ચીને સુવિધાઓ વધારવાનું શરૂ કરી દીધું છે તેમ ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું.
ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં પાકિસ્તાની સૈન્યને તાલિમ આપવાનું શરૂ કર્યું છે. ચીની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓની બે ટૂકડીએ છેલ્લા ત્રણ મહિના દરમિયાન પીઓકેમાં અંકુશ રેખા પર સ્થિત પાકિસ્તાની સૈન્યની ફ્રન્ટ પોસ્ટની મુલાકાત લીધી. આ સિવાય તેઓ અનેક જૂના આતંકી કમાન્ડરો અને આતંકી ગાઈડોને પણ મળ્યા હતા.
આ પ્રવાસ પછી પાકિસ્તાની સૈન્યે આતંકીઓના કેટલાક લોન્ચિંગ પેડ્સ અને આતંકી કેમ્પોની ફ્રન્ટ અને નાગરિક વસતીઓને નજીકની અન્ય કોઈ જગ્યાએ ખસેડી છે.
ચીનની આ ગતિવિધિઓના પગલે ગુપ્તચર એજન્સીઓને આ શિયાળામાં હિમપ્રપાત છતાં અંકુશ રેખા પર આતંકીઓની ઘસૂણખોરીના પ્રયાસો પહેલાં કરતાં વધવાની આશંકા છે. પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સ્થિતિ પછી ચીની સૈન્યે ભારત પર દબાણ વધારવા માટે પીઓકેમાં સતત તેની ગતિવિધિઓ વધારી છે. પાકિસ્તાની સૈન્યને તેણે આવશ્ય શસ્ત્ર-સરંજામ પૂરો પાડવાનું પણ શરૂ કર્યું છે.
વધુમાં પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ અને જવાનો ચીની સૈન્ય સાથે સંયુક્ત ટ્રેઈનિંગ કરી રહ્યા છે. આ ટ્રેઈનિંગ સંયુક્ત યુદ્ધાભ્યાસ કરતાં એકદમ અલગ છે.
સૂત્રોએ જણાવ્યું કે, પીઓકેમાં ચીની સૈન્યની ગતિવિધિઓ લગભગ આઠ વર્ષથી જાેવા મળી રહી છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાં વધારો થયો છે. વધુમાં ચીને પીઓકેના લાસદન્ના ઢોક અને બદેલ બાગ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યને જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતાવાળી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવામાં પણ મદદ કરી છે. પાકિસ્તાને પણ તેનું સ્કાર્દૂ એરબેઝ ચીનની એરફોર્સ માટે ખોલી નાંખ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે, ચીની સૈન્યના અધિકારીએ જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ કરતા સરહદીય વિસ્તારોમાં વસતી અને ઘૂસણખોરીના રસ્તા સિવાય સૈન્ય ઈન્સ્ટોલેશનની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે, જે ભારત માટે ચિંતાજનક બાબત છે.
ચીને પીઓકેમાં તેની હાજરી મજબૂત કરવાની સાથે લદ્દાખથી અરૂણાચલ પ્રદેશની સરહદે એલએસી પર તેની સ્થિતિ મજબૂત કરવા પર પણ ધ્યાન આપ્યું છે. શિયાળો શરૂ થઈ રહ્યો હોવાથી ચીને ગયા વર્ષે ગલવાન ઘાટી જેવા ‘નાના સંઘર્ષ’ની આશંકાએ એલએસી પર તૈનાત તેના સૈનિકોની સુવિધાઓ વધારવાનું શરૂ કર્યું છે.
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, શિયાળામાં મોટી અથડામણ થવાની શક્યતા નહિવત છે, પરંતુ સમયે સમયે નાની અથડામણો થઈ શકે છે. તેથી ચીની સૈન્યે તેના માટે તૈયારીના ભાગરૂપે સૈનિકોને જરૂરી સામાન પૂરો પાડવાનું શરૂ કરી દીધું છે.HS