૨૪ કલાકમાં ૫૦૧નાં કોરોનાથી મોત, રાજ્યમાં પણ કેસ વધ્યાં
નવી દિલ્હી, દેશ છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. બીજી લહેરમાં તબાહી મચાવ્યા બાદ દેશમાં કોવિડ-૧૯ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં જે આંકડા સામે આવ્યા છે તે ડરામણા છે. એક દિવસમાં કોરોનાથી દેશમાં ૫૦૧ લોકોએ જીવ ગુમાવ્યા. આવામાં કેસ ભલે કમ થઈ રહ્યા હોય પરંતુ લોકોએ ખુબ સતર્ક રહેવાની જરૂર છે. મૃતકોની સંખ્યાએ સરકારની ચિંતા વધારી છે. આ સાથે જ ગુજરાતમાં પણ કેસ વધવા લાગ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨૫૧૬ નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને ૩,૪૪,૧૪,૧૮૬ થઈ છે. આ સાથે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧,૩૭,૪૧૬ પર પહોંચી છે. જે ૨૬૭ દિવસમાં સૌથી ઓછી છે.
સરકારી આંકડા મુજબ મહામારીના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોની કુલ સંખ્યા હવે ૪,૬૨,૬૯૦ થઈ છે. સતત ૩૫મો દિવસ છે કે જ્યારે કોરોનાના દૈનિક કેસ ૨૦ હજાર કરતા નીચે નોંધાયા છે. અત્રે જણાવવાનું કે માર્ચ, એપ્રિલ, અને મે મહિનામાં કોરોનાની બીજી લહેરના કારણે ખુબ તબાહી મચી હતી. જેમાં રોજેરોજ ચાર લાખથી વધુ કેસ નોંધાતા હતા. લોકોએ હોસ્પિટલોમાં બેડ અને સારવાર માટે ઝઝૂમવું પડતું હતું.
ગુજરાતમાં કોરોનાના કેસમાં એકવાર ફરીથી વધારો જાેવા મળી રહ્યો છે. દિવાળીમાં લોકોની બેદરકારી અને બજારોમાં ભીડની અસર હવે જાેવા મળી રહી છે. એક દિવસમાં ગુજરાતમાં ૪૦ નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં નવા કેસ ૧૦ કરતા પણ નીચે ગયા હતા ત્યાં હવે આ કેસ ૪૦ ઉપર પહોંચી ગયા છે.
કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ચિંતાનું મુખ્ય કારણ બન્યો છે. આ જાણકારી આઈએનએસએસીઓજીએ આપી છે. એક બુલેટિનમાં કહેવાયું છે કે વૈશ્વિક પરિદ્રશ્યમાં કોઈ ફેરફાર નથી આવ્યો. બી.૧.૬૧૭.૨ (એવાય) અને એવાય.એક્સ સબલાઈનેઝ સહિત ડેલ્ટા, વિશ્વ સ્તર પર મુખ્ય વેરિએન્ટ ઓફ કન્સર્ન બનેલો છે. તાજા ડબલ્યુએચઓ અપડેટ મુજબ ડેલ્ટાએ મોટાભાગના દેશોમાં અન્ય વેરિએન્ટ્સને પછાડ્યા છે અને હવે અન્ય વેરિએન્ટ્સ ઘટી રહ્યા છે.
કોરોનાના કેસ અન્ય રાજ્યોમાં ઘટી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ફક્ત ૯૯૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૨૮ લોકોના મોત થયા. આ ઉપરાંત છત્તીસગઢમાં નવા ૨૬ કેસ નોંધાયા. દિલ્હીની વાત કરીએ તો નવા ૪૦ કેસ નોંધાયા જ્યારે ૨૪ કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી.SSS