શ્રીનગરમાં નોંધાઇ સિઝનની સૌથી ઠંડી રાત, પહલ ગામમાં માઇનસ ૩.૪ ડિગ્રી
શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાતિલ ઠંડી પડી રહી છે. લદ્દાખ અને કાશ્મીર ખીણમાં શુક્રવારે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ સાથે શીત લહેર તીવ્ર બની હતી, જ્યારે દ્રાસમાં ફરીથી માઈનસ ૧૨.૬ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ગઈકાલે રાત્રે ૧.૬ ડિગ્રી સેલ્સિયસની સરખામણીએ ૦.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કાશ્મીરના ગેટવે ટાઉન કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન ૦.૦ ડિગ્રી સેલ્સિયસ અને દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત રિસોર્ટ પહેલગામમાં માઈનસ ૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોકરનાગમાં લઘુત્તમ તાપમાન ૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ઉત્તર કાશ્મીરના કુપવાડા શહેરમાં માઈનસ ૦.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
લેહમાં માઈનસ ૭.૦ ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કારગીલમાં માઈનસ ૧.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દ્રાસ એ પ્રદેશનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે કહ્યું છે કે ઓછામાં ઓછા ૧૯ નવેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે, ત્યારબાદ આ વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હાલમાં વધતી જતી ઠંડીના કારણે ત્યાં રહેતા લોકોની મુશ્કેલી થોડી વધી ગઈ છે.HS