Western Times News

Gujarati News

પોતાના બાળકો સાથે માતૃભાષામાં જ વાત કરો, તેમાં શરમ ન અનુભવો: અમિત શાહ

લખનૌ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે વારાણસીમાં હસ્તકલા સંકુલમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હિન્દી ભાષાને મજબૂત કરવા બાબતે ભાર આપ્યો હતો. અમિત શાહે માતા-પિતાને સલાહ આપતા જણાવ્યુ હતું કે પોતાની માતૃભાષામાં પોતાના બાળકો સાથે વાતચીત કરો. તેમાં જરા પણ શરમ અનુભવવાની વાત નથી, આપણી માતૃભાષા આપણું ગૌરવ છે. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે મને ગુજરાતીથી વધુ હિન્દી ભાષા પસંદ છે. આપણે હિન્દી ભાષાને વધુ મજબૂત કરવાની જરૂર છે.

અમિત શાહે કહ્યું કે સ્વભાષા માટેનું અમારું એક લક્ષ્ય ચૂકી ગયા હતા, આપણે તેને યાદ રાખવું જાેઈએ અને તેને આપણા જીવનનો એક ભાગ બનાવવો જાેઈએ. હિન્દી અને આપણી તમામ સ્થાનિક ભાષાઓ વચ્ચે કોઈ ફરક નથી. તેમાં કોઈ વિરોધાભાસ નથી. હિન્દીને વધુ મજબૂત બનાવવી પડશે. હિન્દી શબ્દકોશને મજબૂત બનાવવો જાેઈએ. અમિત શાહે વારાણસીની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ત્રણ કલાક બેઠક કરીને પદાધિકારીઓને ૨૦૨૨ માટે જીતનો મંત્ર આપ્યો હતો.

ગૃહમંત્રીએ કહ્યું કે અગાઉ હિન્દી ભાષા માટે ઘણા વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તે સમય હવે સમાપ્ત થઈ ગયો છે. પીએમ મોદીએ ગૌરવ સાથે આપણી ભાષાઓને વિશ્વભરમાં પહોંચાડવાનું કામ કર્યું છે.

અમિત શાહે વારાણસીમાં બડાલાલપુરમાં ભાજપના ૪૦૩ વિધામસભા પ્રભારી, ૯૮ જિલ્લાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને કોર કમિટીને સંબોધન કર્યું હતુ. આ દરમિયાન ભાજપના નેતાઓને ‘બૂથ જીત્યું તો યુપી જીત્યું’ નો સંકલ્પ આપ્યો હતો. શાહે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૩૦૦ પ્લસ બેઠકો જીતવાનું લક્ષ્ય આપ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો . આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થયા હતાં આ યુનિવર્સિટીનું આઝમગઢના યશપાલપુરમાં ૫૩ એકર જમીનમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

હકીકતમાં સત્તામાં આવ્યા બાદ યોગી સરકારે આઝમગઢને યુનિવર્સિટીની ભેટ આપવાની વાત કરી હતી. જિલ્લાના લોકો પણ લાંબા સમયથી આની માગ કરી રહ્યા હતા. અમિત શાહનો આઝમગઢ પ્રવાસ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે, કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર એક જ બેઠક મળી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.