ગુજરાતના ૪૩ લાખ લોકોએ વેક્સિનનો હજુ એક પણ ડોઝ લીધો નથી
આ ૪૩ લાખ લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે અને આ લોકો સામે સૌથી વધુ ખતરો છે
અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના વધતાં જતા કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ૪૩ લાખ લોકોએ હજુ સુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. આ ૪૩ લાખ લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે અને આ લોકો સામે ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો છે.
રાજ્યમાં કુલ રસીકરણ ૭.૪૧ કરોડ થયું છે, જેમાંથી ૪.૫૦ કરોડને પહેલો ડોઝ જ્યારે ૨.૯૦ કરોડને બન્ને ડોઝ અપાઇ ગયા છે. ૧૮ વર્ષ ઉપરની વસતીમાં ૯૧ ટકા પહેલા ડોઝનું જ્યારે ૫૯ ટકા બન્ને ડોઝ માટે રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં ૧૮ વર્ષ ઉપરની કુલ વસતી ૪.૯૩ કરોડ છે
એટલે કે રાજ્યમાં હજુ ૪૩ લાખ લોકો એકપણ ડોઝ લીધા વિના ફરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા ૧૦ દિવસમાં રાજ્યમાં પહેલા ડોઝનું રોજનું સરેરાશ રસીકરણ માત્ર ૨૦ હજાર જ થાય છે. એ ઝડપે ગણીએ તો રાજ્યમાં પહેલા ડોઝના ૧૦૦ ટકા રસીકરણ માટે હજુ ૨-૩ મહિનાની રાહ જાેવી પડે એમ છે.
રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસમાં ૨.૦૫ લાખ રસીકરણ પહેલા ડોઝ માટે થયું છે. જાે કે ગુજરાતમાં ૬ મહાનગરપાલિકાઓ અને ૧૬ હજારથી પણ વધારે ગામોમાં પહેલા ડોઝ માટે ૧૦૦ ટકાનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે, અને મોટા રાજ્યોમાં બન્ને ડોઝ આપવામાં ગુજરાત આગળ છે.
હાલ રાજ્યમાં એક પણ ડોઝ ન લેનારા લોકોને રસી લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે. રાજ્યમાં ૪.૦૪ કરોડ પુરૂષોએ જ્યારે ૩.૩૬ કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. છેલ્લા કેટલાક સમયનો રસીકરણનો ટ્રેન્ડ જાેઇએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધારે રસીકરણ જાેવા મળી રહ્યું છે.