મણિપુરઃ કર્નલની શહાદતનો બદલો લેવા સેનાએ બનાવી યોજના, ઉગ્રવાદીઓ સામે ઓપરેશન શરૂ

ઇમ્ફાલ, મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે રવિવારે કહ્યું કે, જ્યાંથી આસામ રાઇફલ્સના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલો કરનારા ઉગ્રવાદીઓએ ઘૂસણખોરી કરી હતી, ત્યાં મ્યાનમાર સીમા પર સુરક્ષા કડક કરવામાં આવશે.
ઇમ્ફાલ એરપોર્ટ પર આસામ રાઇફલ્સના એક કર્નલ, તેમના પત્ની, દીકરા અને અન્ય ચાર જવાનોના પાર્થિવ શરીર પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે ગૃહ વિભાગ અને અર્ધ-સૈનિક દળોને ઉગ્રવાદીઓને વહેલી તકે પકડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અધિકારીઓએ કહ્યું કે અર્ધસૈનિક દળ આસામ રાઇફલ્સ અને રાજ્ય પોલિસ દ્વારા સંયુક્ત રીતે સેખેન ગામની આસપાસના જંગલોમાં એક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં શનિવારે હુમલો થયો હતો.બે ઉગ્રવાદી સમૂહો- પીપલ્સ લિબરેશન આર્મી અને મણિપુર નગા પીપલ્સ ફ્રન્ટ-એ શનિવારે સંયુક્ત રીતે હુમલાની જવાબદારી લીધી છે.
પુષ્પાંજલિ સમારોહ બાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા સિંહે જણાવ્યું, ‘સરકાર રાજ્યમાં આ પ્રકારની ઉગ્રવાદી પ્રવૃત્તિઓને સહન કરશે નહીં.’ તેમણે કહ્યું કે રાજ્યના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવશે.
આસામ રાઇફલ્સના કાફલા પર હુમલાની સખત નિંદા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ગૃહ વિભાગ અને અર્ધલશ્કરી દળોને કાયદા મુજબ ‘ગુનેગારોની ધરપકડ અને સજા’ કરવાનો નિર્દેશ આપ્યો છે. શનિવારે મણિપુરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમના પરિવારના સભ્યો અને આસામ રાઇફલ્સના જવાનોના પાર્થિવ દેહ તેમના વતન મોકલવામાં આવ્યા છે.
મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં શનિવારે થયેલા આઈઈડી વિસ્ફોટો અને ગોળીબારમાં આસામ રાઇફલ્સની ખુગા બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ ત્રિપાઠી, તેમની પત્ની અનુજા અને પુત્ર અબીર ઉપરાંત દેશના સૌથી જૂના અર્ધલશ્કરી દળ આસામ રાઈફલ્સના ચાર જવાન શહીદ થયા હતા.
હુમલામાં માર્યા ગયેલા આસામ રાઇફલ્સના ચાર જવાનોમાં આરએફએન શ્યામલ દાસ, આરએફએન સુમન સ્વર્ગિયારી, આરએફએન આરપી મીણા અને આરએફએન ખતનેઈ કોન્યાકનો સમાવેશ થાય છે.
કર્નલ ત્રિપાઠી છત્તીસગઢના રાયગઢના જ્યારે આરએફએન દાસ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રહેવાસી હતા. આરએફએન સ્વર્ગિયારી આસામના બક્સા જિલ્લાના રહેવાસી હતા. આરએફએન કોન્યાક નાગાલેન્ડના મોન જિલ્લાના હતા જ્યારે આરએફએન મીણા રાજસ્થાનના દૌસા જિલ્લાના નિવાસી હતા.HS