વોર્નરને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવતા શોએબ અખ્તર ગુસ્સે થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Warnre-1024x569.jpg)
દુબઇ, ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઈટલ પર કબ્જાે કર્યો હતો. દુબઈમાં રમાયેલી આ મોટી મેચમાં ઓસ્ટ્રેલિયાનાં બે ખેલાડીઓ જીતનાં હીરો બન્યા હતા.
મિચેલ માર્શે અણનમ ૭૭ રન બનાવ્યા હતા, જ્યારે તેના ઓપનર ડેવિડ વોર્નરે ૩૮ બોલમાં ૫૩ રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટાર્ગેટનો પીછો કરતી તેની ટીમની શાનદાર શરૂઆત કરી હતી. માર્શને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરનાર ડેવિડ વોર્નરને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ શોએબ અખ્તરને આ વાત પચી નહી.
ફાઈનલ પછી, જ્યારે ડેવિડ વોર્નરને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
શોએબ અખ્તરનું માનવું છે કે ડેવિડ વોર્નરને નહીં પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન અને ઓપનર બાબર આઝમને પ્લેયર ઓફ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળવો જાેઈએ. તેણે તેના પર અન્યાય કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફાઈનલ બાદ જ્યારે પ્રેઝન્ટેશન સેરેમનીમાં ડેવિડ વોર્નરને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે શોએબ અખ્તરે તુરંત જ ટ્વીટ કરીને લખ્યું, “હું ઉત્સુક હતો કે બાબર આઝમને ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરવામાં આવશે. અત્યંત અયોગ્ય ર્નિણય.”
શોએબ અખ્તર દરેક મેચ પછી અમુક પ્રકારની પ્રતિક્રિયા આપવા માટે પ્રખ્યાત છે. તેમનું ટ્વીટ વાહિયાત છે કારણ કે ઘણા વિશ્વ કક્ષાનાં દિગ્ગજ લોકોની જ્યુરી પેનલે આ પુરસ્કારો માટે ખેલાડીઓની પસંદગી કરી છે. બીજી વાત એ છે કે, બેશક બાબર આઝમે ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં સૌથી વધુ ૩૦૩ રન બનાવ્યા હતા, પરંતુ બીજા નંબર પર ડેવિડ વોર્નર (૨૮૯ રન) બાબર કરતા માત્ર ૧૪ રન પાછળ હતા.
પરંતુ વોર્નરે વેસ્ટ ઈન્ડિઝ (અણનમ ૮૯), પાકિસ્તાન (૪૯) અને ન્યૂઝીલેન્ડ (૫૩) સામે છેલ્લી ત્રણ મોટી મેચોમાં સતત ત્રણ શાનદાર ઈનિંગ્સ રમી અને તેની ટીમ સેમિફાઈનલમાં પહોંચી, પછી ફાઈનલમાં પહોંચી અને પછી ટાઈટલ જીત્યું.જ્યારે બાબર આઝમ પોતાની ટીમને ટાઈટલ જીતવા સુધી લઈ જઈ શક્યો ન હતો. તેથી, ૧૪ રનનાં તફાવતને અવગણીને, વોર્નરને આ એવોર્ડ માટે યોગ્ય નામ માનવામાં આવતું હતું.HS