આંધળો વિકાસ નહી પણ ગાંધી માર્ગે સાતત્યપૂર્ણ પર્યાવરણ પ્રિય વિકાસ કરવો છે
સત્યના પ્રયોગો‘ કોન્કલેવમાં મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક વક્તવ્ય- મુખ્યમંત્રીશ્રીએ ગાંધીજીના પ્રેરક પ્રસંગો યાદ કર્યાં
- ગુજરાત બે મોહનની ભૂમિ, દ્વારિકાના સુદર્શન ચક્રધારી મોહન અને પોરબંદરના ચરખા ધારીમોહન
- જન–જન સુધી ગાંધી અને ગાંધી સુધી જન–જન પહોંચે તે વર્તમાન સમયની જરૂરિયાત
- ગુજરાતમાં ગાંધી ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીથી ગાંધી જીવન–કવન જીવંત રાખવાની નેમ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગાંધી અને સત્ય એકબીજાના પર્યાય છે.ગુજરાત બે મોહનની ભૂમિ છે દ્વારિકાના સુદર્શન ચક્રધારી મોહન અને પોરબંદરના ચરખા ધારી મોહન. સુદર્શન ચક્ર અધર્મ અને અન્યાય સામેનું શસ્ત્ર હતું તો ચરખો અસત્ય અને ગુલામી સામેનું શસ્ત્ર હતું, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
એ.બી.પી.અસ્મિતા ગુજરાતી ન્યુઝ ચેનલ દ્વારા આયોજિત ‘સત્યના પ્રયોગો’ કોન્કલેવમાં ગાંધીજીના પ્રેરક પ્રસંગોને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગાંધીજીના ચરખાએ આપણને સ્વાવલંબી અને સ્વનિર્ભર બનવાનો સંદેશ આપ્યો છે. અસ્પૃશ્યતા નિવારણ, સ્વચ્છાગ્રહ અને સ્વદેશીનો બાપૂનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.ગાંધી એ વ્યક્તિ નહિ વિચાર છે સ્વયં એક સંસ્થાન છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું .
શ્રીવિજયભાઈએ વધુમાં કહ્યું કે, ગાંધીજીએ અસત્ય અને અન્યાય સામેની લડત અગણિત અત્યાચારો સહન કરીને ચાલુ રાખી હતી છતા પણ હિંસાનો સહારો ક્યારય લીધો ન હતો. ગાંધીજીના અગિયાર વ્રત તેમના જીવનનો આધાર હતા તેમાંથી આપણે પ્રેરણા લેવાની છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે, રાજ્યસરકાર ગાંધીજીના રામરાજ્યની કલ્પનાને પરિપૂર્ણ કરવા કટિબદ્ધ છે. સદાય સાંપ્રત એવા ગાંધીજીના સંસ્મરણોને જીવંત રાખવા રાજ્યસરકારે દાંડી સ્મારક, રાજકોટ ખાતે ગાંધી મ્યુઝિયમ પોરબંદરમાં કસ્તુરબા સ્મારક જેવા વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કર્યું છે.
આ વર્ષ દરમ્યાન ગાંધી ક્વિઝ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગાંધી જીવન વિષયક રિસર્ચ સહિતના આયોજનોથી જન-જન સુધી ગાંધી અને ગાંધી સુધી જન-જન પહોંચે તેવી નેમ રાખી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દુનિયાની બધી જ સમસ્યાનું નિરાકરણ ગાંધી માર્ગે શક્ય છે. વડાપ્રધાનશ્રીનરેંદ્રભાઇ મોદીએ ‘સ્વચ્છ ભારત’ અને ‘પ્લાસ્ટિક મુક્ત ભારતના’ જે અભિયાનમાં દેશવાસીઓને જોડ્યા છે તે ગાંધીજી પ્રેરિત છે.ગુજરાત આ અભિયાનોમાં અગ્રેસર રહેશે અને આંધળો વિકાસ નહિં પરંતુ ગાંધી માર્ગે સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસ કરશે તેવો વિચાર તેમણે દર્શાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પોતાના અંગતા જીવનના સંસ્મરણોને યાદ કરતા જણાવ્યું હતુ કે, ગાંધીજીના નિયમિતતા અને સંવેદનશીલતાના ગુણોએ તેમને પહેલેથીજ ખુબ પ્રભાવિત કર્યા ર્છે. જીવનના ૧૯૭૦ થી ૧૯૯૦ જાહેર જીવનના બે દાયકા સંઘર્ષપૂર્ણ રહ્યા હતા ત્યારે ગાંધીજીમાંથી પ્રેરણા લઇ સામાજીક ઉત્તરદાયિત્વની ભાવના વધુ સુદ્રઢ બની હતી.
આ વેળાએ અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ અમૂલ ભાઈ ભટ્ટ અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સહિતના મહાનુભાવો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.