કોવિન સોફ્ટવેરથી દુનિયા પ્રભાવિતઃ ભારત ૧૨ દેશોને ટેકનિક ઉધાર આપશે
નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સિનેશન માટે તૈયાર કરવામાં આવેલા કોવિન પ્લેટફોર્મનો હવે અન્ય દેશોમાં પણ ટૂંક સમયમાં ઉપયોગ થશે. દુનિયાના કેટલાય દેશો ભારતના કોવિન સોફ્ટવેરની ક્ષમતાથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને ભારત પાસેથી આ ટેકનિક પ્રાપ્ત કરવા માટે ૧૨ દેશોએ રસ દાખવ્યો છે.
આમાંના કેટલાક દેશો એવા પણ છે કે જેમની સાથે કોવિનને લઈને આખરી તબક્કાની વાતચીત ચાલી રહી છે. ભારતમાં આ સોફ્ટવેર પ્રતિ સેકન્ડ ૮૦૦ વેક્સિનેશનના દરે એક દિવસમાં ૨.૫ કરોડ વેક્સિનેશનને પણ સંભાળી ચૂક્યંુ છે. ભારત સાથેની વાતચીતમાં સામેલ ૧૨ દેશોમાં દક્ષિણ આફ્રિકાને એમઓયુ મોકલવામાં આવી ચૂક્યા છે અને હવે તેની સ્વીકૃતિની પ્રતીક્ષા કરાઈ રહી છે.
કોવિન ટેકનિકમાં રસ દાખવનાર દેશોમાં મોટા ભાગના આફ્રિકા અને મધ્ય એશિયાના દેશો છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ડો.આર.એસ.શર્માએ જણાવ્યું છે કે, વાતચીત અને આ પહેલ પર થઈ રહેલી પ્રગતિનું મોનિટરીંગ વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મને એવું જણાવાયું છે કે અત્યાર સુધી આ ટેકનિક માટે ૧૨ દેશો એમઓયુ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયા છે. અમે દક્ષિણ આફ્રિકા સહિત સાત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને તેની સ્વીકૃતિ માટે દસ્તાવેજાે મોકલી દીધા છે.