દેશમાં સંપૂર્ણ વેક્સિનેટ લોકોની સંખ્યા વધી ગઈ

નવી દિલ્હી, કોવિડ-૧૯ વેક્સિનેશન અભિયાન સરકારની પ્રમુખતાઓમાં સામેલ છે. આ અભિયાનને ગતિ આપવા માટે દરરોજ નવા નવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સામે આવેલા અહેવાલ પ્રમાણે દેશમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનમાં એવું પહેલી વખત બન્યું છે કે, સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોની સંખ્યા સિંગલ ડોઝ લગાવી ચુકેલા લોકોની સંખ્યાને પાર કરી ગઈ હોય.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭૫.૫૪ કરોડ લોકો વેક્સિનનો એક ડોઝ લગાવી ચુક્યા છે. તેમાંથી ૩૮.૦૭ કરોડ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધેલા છે. જ્યારે ૩૭.૪૭ કરોડ લોકો એવા છે જેમણે હજુ સુધી કોરોનાનો એક જ ડોઝ લીધેલો છે.
સ્વાસ્થ્ય વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં ૪૦.૩ ટકા વયસ્કોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચુક્યા છે. જ્યારે ૪૦.૨ ટકા લોકોને એક જ ડોઝ અપાયો છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં મંગળવારે ૬૧,૨૧,૬૨૬ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
તેમાં ૧૮.૪૮ લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જ્યારે ૪૨.૭૨ લાખ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો. સરકારે આ વર્ષના અંત સુધીમાં તમામ વયસ્કોને કોરોના વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું છે માટે રાજ્યોને વેક્સિનેશન અભિયાન તેજ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે ડોર ટુ ડોર વેક્સિનેશન અભિયાન પણ ચલાવ્યું છે.
અવર વર્લ્ડ ઈન ડેટાવેબસાઈટના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં વિશ્વના સરેરાશ ૫૨.૨ ટકા લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે જ્યારે ૪૦.૯ ટકા લોકો બંને ડોઝ લઈ ચુક્યા છે.SSS