પીડિતાના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ટૂંક સમયમાં ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી
વડોદરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાના સોખડાની મુલાકાતે છે, જ્યાં તેમણે નવસારીની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું હતું કે પીડિત યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ. આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે એટલી આપીશું.
ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી, તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પીડિતા યુવતીને ટૂંક સમયમાં ન્યાય અપાવીશ. સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસે ૫૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ, હજારો મોબાઈલ સર્વેલન્સના આધારે ગુનો ઉકેલવા પ્રયાસો કર્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે રાજ્યની દરિયાઈ બોર્ડર સંપૂર્ણ સુરક્ષિત એટલે જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ-માફિયાઓ સમજી લે, પોતાના પરિવાર સાથે નહીં રહી શકે એવું સ્વાગત કરવા ગુજરાત પોલીસે તૈયારી કરી છે.
ધર્માંતરણ કેસ મામલે તેમણે જણાવ્યું હતું કે ભરૂચનાં અમુક ગામોમાં જઈ ધર્મપરિવર્તન કરાવ્યું છે. આફમી ટ્રસ્ટે ધર્મપરિવર્તન માટે રૂપિયા મોકલ્યા હતા. આ પ્રકારનું ષડયંત્ર રચનારા કોઈપણ શખસને કાયદાની છટકબારી નહીં મળે એવો વિશ્વાસ અપાવું છું. મજબૂતાઈથી રાજ્ય પોલીસ, ભરૂચ પોલીસે કડકાઈપૂર્વક પગલાં લીધાં છે. જાણકારી અને પુરાવા મળ્યા એ જ સમયે કેસ દાખલ કર્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે વડોદરા નજીક સોખડા ખાતેથી રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ત્મનિભર ગ્રામયાત્રાનો પ્રારંભ થયો છે.
આ ગ્રામયાત્રા વડોદરા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે સતત ત્રણ દિવસ સુધી ફરશે અને સરકારની યોજનાઓની માહિતી ઘર-ઘર સુધી પહોંચાડશે. એની સાથે ગ્રામીણ વિસ્તારોની સર્વાંગીણ ઉન્નતિ માટે હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૩૧.૨૩ કરોડનાં ૨૩૭૮ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.
આર્ત્મનિભર ગ્રામયાત્રા માટે કુલ ત્રણ ડિજિટલ રથ તૈયાર કરવામાં આવ્યા છે અને એ ત્રણ રૂટ પર જિલ્લા પંચાયતની ૩૪ બેઠક પર સવાર-સાંજ એમ બે પ્રહરમાં ફરશે. સવારે ૮થી ૧૨ અને સાંજે ૪થી ૮ એમ એક રથ દ્વારા કુલ બે બેઠકો પર કાર્યક્રમો યોજાશે. આ યાત્રા અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં જુદાં જુદાં ગામોમાં રમતગમત તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામેગામ સ્વચ્છતા અભિયાન ચલાવાશે.HS