2025 સુધીમાં યમુના નદી સાફ થઈ જશે: કેજરીવાલ

નવી દિલ્હી, પ્રદુષણના મુદ્દે ઘેરાયેલી દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, ફેબ્રુઆરી 2025 સુધીમાં યમુના નદી સાફ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, છઠ્ઠ પૂજા દરમિયાન યમુના નદીમાં પ્રદુષણના કારણે સફેદ ફીણ વચ્ચે મહિલાઓની પૂજા કરતી તસવીરો સામે આવ્યા બાદ દિલ્હી સરકારનો ફજેતો થયો હતો.એ પછી હવે કેજરીવાલે યમુના નદી સફાઈનો એક્શન પ્લાન જાહેર કર્યો છે.
તેમણે કહ્યુ છે કે, હાલમાં કાગળ પર જ ઉદ્યોગોનો કચરો સાફ થાય છે.ઉપરાંત ગટરોનુ પાણી યમુનામાં ઠલવાય છે.જેને સાફ કરવા માટે નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરાશે અને હાલના પ્લાન્ટની ક્ષમતા વધારાશે.દિલ્હીના ચાર નાળાઓનુ પાણી યમુનામાં ઠલવાય છે.નવી ટેકનિકથી ચાર નાળાઓની સફાઈ કરવામાં આવી રહી છે.જેથી ગંદુ પાણી યમુનામાં ના જાય.
કેજરીવાલે કહ્યુ હતુ કે, ગટર જોડાણ નહીં લેનારા ઘરોનુ ગંદુ પાણી આ નાળાઓમાં ઠલવાય છે.આ સમસ્યાને ધ્યાનમાં રાખી સરકાર ઓછા ભાવે ગટર જોડાણ આપશે.ગટર નેટવર્ક તૈયાર કરી દેવાયુ છે પણ હજી ઘણા લોકો ગટર જોડાણ લેવા તૈયાર નથી.ફેબ્રુઆરી 2025 સુધીમાં અમે યમુના નદી સાફ કરી દઈશું.
બીજી તરફ ભાજપે કેજરીવાલની જાહેરાત પર કટાક્ષ કરતા કહ્યુ છે કે, આ પહેલા સાત વખત કેજરીવાલ યમુના નદી સાફ કરવા માટે ડેડલાઈન આપી ચુકયા છે.કેન્દ્ર દ્વારા સફાઈ માટે 2400 કરોડ રુપિયા અપાયા હતા પણ તેનુ શું થયુ તેની કોઈને ખબર નથી.હવે ફરી નવી ડેડલાઈન જાહેર કરી છે તે માટે કેજરીવાલને અભિનંદન.