અનિલ દેશમુખની ધરપકડના દરેક દિવસ અને કલાકોની કિંમત વસુલીશુંઃ શરદ પવાર

નવી દિલ્હી, એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને ક્લીન ચીટ આપી છે અને સાથે સાથે ભાજપને ચીમકી પણ આપી છે કે, દેશમુખની ધરપકડના દરેક દિવસ અને દરેક કલાકની કિંમત અમે ભાજપ પાસે વસુલ કરીશું.
પવારે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર પ્રગતિની દીશામાં આગળ વધી રહ્યુ છે પણ કેટલાક લોકોને આ પસંદ નથી આવી રહ્યુ.સત્તા હાથમાંથી જતી રહેવાના કારણે ઘણા લોકો અસ્વસ્થ બની ગયા છે.જેના કારણે તેઓ દિલ્હીની મદદથી મહારાષ્ટ્ર સરકારને સમયાંતરે ગબડાવવ માટે પ્રયાસ કરી રહ્યા છે.એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓને કેન્દ્રની સરકારી એજન્સીઓ હેરાન કરી રહ્યા છે.
તેમણે અનિલ દેશમુખને ક્લીન ચીટ આપતા કહ્યુ હતુ કે, મુંબઈના પોલિસ કમિશનર મારી પાસે આવ્યા હતા અને તેમણે મને દેશમુખની ફરિયાદ કરી હતી.
ત્યારે મેં તેમને પૂછ્યુ હતુ કે, જો તમને દેશમુખે વસૂલીનો આદેશ આપ્યો તો તેના પર તમે અમલ કર્યો ત્યારે તેમણે મને ના પાડી દીધી હતી.મને સમજ નથી પડતી કે જે આદેશ પર અમલ નથી થયો તો તેમાં અનિલ દેશમુખનો વાંક ક્યાં છે…એ પછી મને દેશમુખે સામેથી કહ્યુ હતુ કે, પોલિસ કમિશનરે આરોપ લગાવ્યો છે અને જ્યાં સુધી સત્ય સાબિત નહીં થાય ત્યાં સુધી હું રાજીનામુ આપુ છું.
પવારે કહ્યુ હતુ કે, આજે પરમબીર સિંહ ગાયબ છે જ્યારે દેશમુખ જેલની અંદર છે.જેની પાછળનુ કારણ છે કે કેન્દ્ર દ્વારા સત્તાનો દુરપયોગ.એકનાથ ખડસેએ ભાજપ છોડીને એનસીપી જોઈન કરી ત્યારે તેમની સામે કોઈ કારણ વગર ઈડીએ કેસ કર્યો હતો.
શિવસેનાના સંજય રાઉત સામે ભાજપ કશું કરી નાશક્યુ તો તેમની પત્નીને બોલાવીને ઈડીએ પરેશાન કરી હતી.અજીત પવારની બહેનના ઘરે પાંચ દિવસ સુધી દરોડા પાડ્યા હતા.
કેન્દ્ર સરકારની હેરાનગતિના આવા તો કેટલાય ઉદાહરણ છે.આ કામ દિલ્હીમાં બેઠેલી ભાજપ સરકાર કરી રહી છે પણ હું એટલુ કહેવા માંગુ છું કે, આ રાજ્યમાં ભાજપને 100 ટકા હારનો સામનો કરવો પડશે.જેટલા દિવસ દેશમુખને જેલમાં રાખ્યા છે તેટલા દિવસ અને તેટલા કલાકોની કિંમત આજે નહીં તો કાલે વસુલવામાં આવશે.ભાજપના માથે સત્તા ચઢી ગઈ છે .તેઓ બદલાની રાજનીતિ કરી રહ્યા છે.