ઈઝરાયેલે જંગ લડવા તૈયાર કરી દીધી રોબોટ આર્મી

નવી દિલ્હી, ઈરાન અને હમાસ જેવા દુશ્મનોનો સામનો કરનારા ઈઝરાયેલે હવે પોતાની રોબોટ આર્મી તૈયાર કરી લીધી છે.
ઈઝરાયેલની બે ડિફેન્સ કંપનીઓ ઈલ્બિટ અને રોબોટીમે આ રોબોટ આર્મી તૈયાર કરી લીધી છે.જેના થકી સૈનિકો જે રોલ અદા કરે છે તેમાંથી ઘણા રોલ આ રોબોટ સૈનિકોને સોંપી શકાય તેમ છે.
આ બંને કંપનીઓનો દાવો છે કે, આ રોબોટ બોર્ડર પર સૈનિકોની જગ્યાએ પણ ફરજ બજાવવા માટે સક્ષમ છે.બોર્ડર પર જે ખતરનાક જગ્યાઓએ સૈનિકોના જીવનો ખતરો રહેતો હોય છે ત્યાં આ રોબોટ આર્મી પાસે ગમે તે મિશન પૂરૂ કરાવી શકાય તેમ છે.આ રોબોટ ખતરનાક હથિયારોથી સજ્જ છે અને દુશ્મનને આંખના પલકારામાં ખતમ કરી શકે છે.
આ રોબોટને વ્હીકલ સ્વરુપે ડિઝાઈન કરાયા છે.તેની ક્ષમતાને અગાઉના મોડેલ કરતા ઘણી વધારવામાં આવી છે.આ એક એવુ મશિન છે જે માણસ સાથે મળીને યુધ્ધમાં લડી શકે છે.આ મશિન એક કનેક્ટેડ સિસ્ટમ તરીકે કામ કરે છે તે તેની મોટી ખાસિયત છે.
તે પોતે જોખમને જાણી લે છે.તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પણ સજ્જ કરાયા છે.તેના ખરાબ પાર્ટને સૈનિકો આસાનીથી બદલી શકે છે.દરેક રોબોટ એટલે કે મશિનનુ વજન 1200 કિલો છે અને આટલુ જ વજન તે ઉઠાવી પણ શકે છે.ખરાબ રસ્તા અને પર્વતીય વિસ્તારો, બરફમાં કે રણમાં પણ તે ઓપરેટ થઈ શકે છે.પ્રતિ કલાક 30 કિમીની ઝડપે આગળ વધી શકે છે.તેની બેટરી આઠ કલાક કામ કરે છે.અંદર જનરેટર પણ લગાડી શકાય તેમ છે.એક જ વ્યક્તિ સંખ્યાબંધ રોબોટને ઓપરેટ કરી શકે છે.
તેના અત્યાધુનિક સેન્સર સૈનિકોની ઓળખ કરી શકે છે અને પોતાની જાતે મૂવમેન્ટ નક્કી કરી શકે છે.કંપનીનુ માનવુ છે કે, સૈનિકોને સપ્લાય પહોંચાડવા, જાસૂસી કરવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.