એક સમયે રોહિત શેટ્ટીનો ૩૫ રૂપિયા મહિનાનો પગાર હતો
મુંબઈ, રોહિત શેટ્ટીની ગણતરી બોલિવુડના સફળ ડિરેક્ટર્સમાં થાય છે. રોહિત શેટ્ટી સતત સુપરહિટ ફિલ્મ આપી રહ્યો છે. તેના ડિરેક્શનમાં બનેલી અને દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ ન માત્ર બોક્સઓફિસ પર સારો વકરો કરી રહી છે પરંતુ તેને પ્રશંસા પણ ખાસ મળી રહી છે.
રોહિત શેટ્ટી આજે સફળતાના શિખરો સર કરી રહ્યો છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેને ખૂબ સ્ટ્રગલ કરવો પડ્યો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રોહિત શેટ્ટીએ પોતાના સ્ટ્રગલના દિવસો યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેના કરિયરમાં એક સમય એવો હતો જ્યારે તે માત્ર ૩૫ રૂપિયા કમાતો હતો.
રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે, ૯૦ના દશકામાં તેણે પોતાનું કરિયર ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરૂ કર્યું હતું. આ ફિલ્મી સફરને શરૂ કરી તે સમયે તેને ૩૫ રૂપિયા પગાર મળતો હતો. રોહિત શેટ્ટીએ ઉમેર્યું હતું કે, તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.
રોહિતના પિતા એક્શન ડિરેક્ટર હતા તેમની છતાં તેની જર્ની સરળ રહી નહોતી. તેણે કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે તેની પાસે એટલા પૈસા નહોતા કે સફર પર ખર્ચો કરવાની સાથે જમવાનું પણ જમી શકે. તેને ટ્રાવેલિંગ અથવા ભોજન એમ બંનેમાંથી એક પસંદ કરવું પડતું હતું.
સંઘર્ષના દિવસોમાં રોહિત સ્ટ્રીટ ફૂડ વધારે ખાતો હતો. રોહિત શેટ્ટીએ ડિરેક્ટર તરીકે ૨૦૦૩માં ફિલ્મ ‘જમીન’થી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે ગોલમાલ સીરિઝ, ઓલ ધ બેસ્ટ, સિંઘમ સીરિઝ, સિમ્બા, ચેન્નઈ એક્સપ્રેસ અને સૂર્યવંશી જેવી હિટ ફિલ્મ આપી.
હાલ તે રણવીર સિંહ સાથે અપકમિંગ ફિલ્મ સર્કસ પર કામ કરી રહ્યો છે. રોહિત ખૂબ જલ્દી અજય દેવગણની સાથે ‘સિંઘમ ૩’ પર કામ શરૂ કરે તેવી શક્યતા છે.SSS