ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ જમીન સંપાદનને કારણે વિલંબમાં

ભાવનગર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ પાંચ વર્ષ થવા છતાં પૂરૂ થઈ શક્યું નથી. નેશનલ હાઈવેના કામમાં જમીન સંપાદનનો પ્રશ્ન માથાના દુખાવારૂપ બન્યો છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો, જમીન માલિકો દ્વારા સરકાર પાસેથી પૈસા લઈ લેવાયા બાદ પણ જમીન સોંપવામાં આનાકાની થઈ રહી હોય, જેના કારણે પ્રોજેક્ટ વિલંબમાં પડયો છે જેને લઇ ૩૬ મહિનામાં જે કામ પૂર્ણ થવાનું હતું તે પાંચ-પાંચ વર્ષ પછી પણ પૂર્ણ થયું નથી.
વર્ષ ૨૦૧૭માં ૨૫૬ કિ.મી. લાંબા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રૂા.૨૫૦૦ કરોડના પ્રોજેક્ટનું કામ હાલ પણ કોઈના કોઈ કારણસર ખોરંભે ચડી રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) દ્વારા ૬ પેકેજમાં ચાર કંપની સદ્ભાવ, એગ્રો ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપર્સ, કળથિયા અને કે.સી.સી.ને કામ સોંપાયું છે. જેમાં જમીન સંપાદનનો પ્રશ્ન કામને વિલંબીત કરી રહ્યો છે.
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં બુધેલ, તળાજા, મહુવા હાઈવે, કોડીનાર, ઉના, રાજુલા વગેરે સ્થળોએ જમીન સંપાદિત કરાયા બાદ પણ ખાલી કરાવવામાં અડચણો ઉભી થઈ રહી છે. જેથી નેશનલ હાઈવેનું કામ આગળ ધપવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.
જમીન સંપાદન માટે પોલીસ પ્રોટેક્શન મેળવવામાં આવે તો તેનો પણ ચાર્જ ચુકવવો પડતો હોવાનું એનએચએઆઈ-ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર અમરીશ માનકરે માહિતી આપી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, એક તો જમીન સંપાદનના વાંકે કામમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. તેમાં સિમેન્ટ-સળિયા, ડીઝલ વગેરેમાં ભાવ દોઢ ગણાં જઈ જતાં કોન્ટ્રાક્ટરોના માથે આર્થિક ભારણ વધ્યું છે.
પાંચ વર્ષ પૂર્વે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ શરૂ કરાયા બાદ રોડના તો હજું ઠેકાણી નથી. પરંતુ બે-બે ટોલ ટેક્સ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ટોલ ટેક્સ શરૂ થવા સાથે અનેક વિરોધ વંટોળ ઉભા થયા હતા. હાલ નેશનલ હાઇવે ઉપર ભાવનગરથી મહુવા અને મહુવાથી રાજુલા-સોમનાથ માર્ગ સુધીમાં ઠેકઠેકાણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. રોડ પર પસાર થતા લોકોએ રૂપિયા ખર્ચીને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હજું કોન્ટ્રાક્ટરો દ્વારા હાઇવેનું કામ ક્યારે પુરૂ થશે. તેની મગનું નામ મરી પાડવા તૈયાર નથી.HS