બાળકોને બેડ ટચ-ગૂડ ટચની સમજ આપીને સુરત પોલીસે જાગૃતિ ફેલાવી

Files Photo
સુરત, સુરતમાં બાળકો સાથેના દુષ્કર્મના ગંભીર બનાવોમાં દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે બાળકો સાથે અત્યાચાર ન થાય અને થાય તો તેઓ કેવી રીતે તેને રોકવા પ્રયાસ કરે તથા વાલીઓને કે પરિવારના સભ્યોને કેવી રીતે જાણ કરે તે અંગેની જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ સચિન વિસ્તારમાં યોજાયો હતો.
જેમાં બાળકો અને મહિલાને જાગૃત કરવા માટે બેડ ટચ અને ગુડ ટચની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ પોલીસની શી ટીમ દ્વારા હેલ્પલાઈનનો ઉપયોગ કરવા માટે પણ સ્લમ અને પરપ્રાંતિય બાળકો અને મહિલાઓને સમજ અપાઈ હતી.
સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ પછી સુરતના સચિનના સલ્મ અને પરપ્રાંતિય તેમજ મજદૂર વર્ગ રહેતા વિસ્તારમાં સચિન પોલીસ દ્વારા ઠેર ઠેર જગ્યાએ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિન પોલીસ દ્વારા પારડી વિસ્તારમાં આ સેમિનારનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં બાળકોને ગૂડ ટચ અને બેડ ટચની જાણકારી આપવામાં આવે છે. તેમજ જાે કોઈ વ્યક્તિ તમને ખોટી જગ્યાએ ટચ કરે તો તેનો વિરોધ કેમ કરવો તેમજ ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં આ બાબતે ફરિયાદ કરવી એવી અનેક જાણકારી આપવામાં આવી હતી. બાળકોની સાથે સાથે ઘરોમાં મહિલાઓ પર થતી હિંસામાં મહિલાઓ માટે પણ ૧૮૧ હેલ્પલાઈન સરકાર દ્વારા ચાલી રહી છે. જેમાં મહિલાઓ પોતાના પર થતા અત્યાચાર પર ન્યાય માટે અવાજ ઉઠાવી શકે છે.