વટારીયા ગણેશ સુગરમાં ખાંડના સ્ટોકમાં થયેલ કથિત ઉચાપત બાબતે ખાંડ નિયામકને રજુઆત
સુગરના ચાર ડિરેક્ટરોએ ખાંડ નિયામકને રજુઆત કરી તપાસની માંગ કરતા ચકચાર
ભરૂચ, ભરૂચ જિલ્લાના વટારીયા ખાતેની ગણેશ સુગર મીલમાં સુગરના ગોડાઉનમાં ખાંડના સ્ટોકમાં મોટી ઉચાપત થઇ હોવાના આક્ષેપ સાથે ખાંડ નિયામક ગાંધીનગરને રજુઆત કરી તપાસની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો મુજબ સુગરના વર્તમાન ચાર ડિરેક્ટરો હેતલભાઈ પટેલ,પ્રતાપસિંહ માટીએડા, ધર્મેન્દ્રસિંહ મહિડા અને સુરેન્દ્રસિંહ પરમારે ખાંડ નિયામક ગાંધીનગરને લેખિતમાં કરેલ રજુઆતમાં સુગરના વહિવટમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ભ્રષ્ટાચાર તેમજ સહકારી કાયદાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરીને જણાવ્યુ છે કે
તેમને મળેલ માહિતી મુજબ ગણેશ સુગરના ગોડાઉનમાં ખાંડના માલ સ્ટોકમાં ગોડાઉનમાં ૧૪ થી ૧૫ હજાર ક્વીન્ટલ ખાંડના માલ સ્ટોકમાં ઉચાપત થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે આજની બજાર કિંમત પ્રમાણે ચાર થી પાંચ કરોડની ઉચાપત હોઈ માલ સ્ટોક પત્રકમાં સ્ટોક ઓછો બોલે છે.
આવા આક્ષેપો સાથે ખાંડ નિયામકને રજુઆત કરીને તેની નકલ સુગરના ઇન્ચાર્જ ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર,રાજ્યના સહકાર મંત્રી, સ્ટેટ રજિસ્ટ્રાર ગાંધીનગર, જિલ્લા રજિસ્ટ્રાર ભરૂચ તેમજ સહકાર સચિવ ગાંધીનગરને મોકલીને સુગરમાં ખાંડના સ્ટોકમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે તપાસની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છેકે ગણેશ સુગરના વહિવટ બાબતે લાંબા સમયથી વિવાદ વિસ્તૃત બની રહ્યો છે. સુગરના માજી ચેરમેન પર થોડા સમય અગાઉ થયેલ ફરિયાદને લઈને તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.
વર્તમાન ચાર ડિરેક્ટરોએ ખાંડ નિયામકને કરેલ રજુઆતમાં વધુમાં જણાવાયુ છે કે સુગરમાં થયેલ આ કથિત ઉચાપત બાબતે તાકીદે તપાસ કરીને ખેડૂત સભાસદોને નુકશાનીમાંથી બચાવી લેવા કાર્યવાહી કરવા માંગ કરી હતી.