નડિયાદમાં પતંગના કારખાનામાં રો મટીરીયલની ચોરી થતાં ચકચાર
કારખાનાનો કારીગર ચોરી કરવા આવતાં રંગેહાથે ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં આવેલા એક પતંગના કારખાનામાં માલિકની પીઠ પાછળ ચોરીને અંજામ આપતો કારીગર ચોરી કરતો રંગેહાથે ઝડપાઈ ગયો છે. રાત્રે પતંગના કારખાનાના દુકાનનું શટર તોડી અંદર પ્રવેશવા જતાં કારીગર રંગેહાથે ઝડપાઈ ગયો છે.
જે બાદ માલિકે પતંગોના રોમટીરીયલની ગણતરી કરતાં પતંગોના કુલ ૧૨૦ રીમો ગાયબ હતી. જે બાબતે પુછપરછ કરતા ઝડપાયેલા કારીગરે છેલ્લા ૪ મહિનાથી આ રીતે ચોરી આચરી હોવાનો પર્દાફાશ થયો છે. જેથી માલિકે આ કારીગરને નડિયાદ ટાઉન પોલીસના હવાલે કર્યો છે અને કુલ રૂપિયા ૧ લાખ ૭ હજાર ૮૦૦નો મુદ્દામાલની ચોરી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ શહેરના સલુણ બજાર ગાજીપુરવાળા વિસ્તારમાં ૫૨ વર્ષિય સફીમીંયા મુસ્તુફામીંયા મલેક રહે છે. તેમનું પતંગ બનાવવાનું કારખાનું આ વિસ્તારમાં આવેલ છે. તેઓ ઓર્ડર મુજબ પતંગો બનાવી વેપારીને આપે છે. તેમના આ કારખાનામાં ૫ કારીગરો પતંગ બનાવવાની કામગીરી કરે છે. બુધવારે મધરાતે પતંગો બનાવવાનું કામ પુરુ કરી કારખાનાનું બંધ કરી માલિક ઘરે આવ્યા હતા.
જે બાદ મોડી રાત્રે ૩ વાગ્યાની આસપાસ ઉપરોક્ત કારખાનાના બાજુમાં રહેતા વ્યક્તિનો સફીમીંયાના દિકરા પર ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે તમે જલ્દીથી પોતાના કારખાને આવો તમારા કારખાનાનું શટર તોડી ચોરી કરતો એક શખ્સને ઝડપ્યો છે.
આથી સફીમીંયા અને તેમના દિકરા પોતાના કારખાને આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના કારખાનાનું શટર આશરે દોઢ એક ફુટ ઊંચુ હતું અને લોક ખોલેલ હાલતમાં હતું. જે બાદ ઝડપાયેલા શખ્સને જાેતાં માલિક ખૂદ પણ ચોકી ઊઠ્યા હતા. આ ચોર બીજુ કોઈ નહી પણ તેમના કારખાનાનો કારીગર તરીકે કામ કરતો ઈમરાન અલ્લારખા શાભઈ (રહે. નડિયાદ, અબુબક્કર સોસાયટી) નીકળ્યો હતો.
જેથી આ અંગે માલિકે પુછતાછ કરતાં ચોરી કરવા આવેલા કારીગરે જણાવ્યું કે તે અહીંયા પતંગ બનાવવાની કાગળની રીમ ચોરવા આવેલો હોવાનું જણાવ્યું છે. જે પછી સફીમીંયાએ નડિયાદ ટાઉન પોલીસને જાણ કરી આરોપી ઈમરાન શાભઈને પોલીસના હવાલે કર્યો છે. અગાઉ પણ ચોરી આચરી હોવાનું કારીગર ઈમરાને કબુલાત કરતાં માલિક સફીમીંયાએ કારખાનામાં રાખેલ કાચામાલની ગણતરી કરી હતી.
જેમાં પતંગો બનાવવા માટેના કાગળોની મોંઘીદાટ રીમો કુલ ૧૨૦ કિંમત રૂપિયા ૧ લાખ ૭ હજાર ૮૦૦નો મુદ્દામાલ ગાયબ હોવાની જાણ થઈ હતી. જે સંદર્ભે ઈમરાનને પુછતા આ રીમોની ચોરી છેલ્લા ૪ મહિનાથી તે અલગ અલગ સમયે કરતો આવ્યો હોવાનું કબુલ્યું છે.
નવો સ્ટોક આવતાં માલિકને ખબર ન પડે તે રીતે પાછળના સ્ટોકમાંથી રીમો ઉઠાંતરી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે સફીમીંયા મલેકની ફરિયાદના આધારે આરોપી ઈમરાન શાભઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ અંગે માલિક સફીમીંયાએ જણાવ્યું છે કે આ કારીગર ડુપ્લીકેટ ચાવી વડે કારખાનાના શટરના તાળા તોડી અંદર પ્રવેશી અવારનવાર ચોરી કરી છે. ગત જુલાઈ માસથી આજ દિન સુધી અનેકોવાર ચોરી આચરી હોવાનું જણાવ્યું છે. જ્યારે પોલીસે આરોપી ઈમરાન પાસેથી મુદ્દામાલ રીકવર કરવા કામગીરી હાથ ધરી છે.