બ્રિટન બાદ અમેરિકા, સાઉદી અરબ અને શ્રીલંકાએ આફ્રિકાની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી, દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. હોન્ગકોન્ગ અને બોત્સવાના બાદ શુક્રવારે ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ નવા વેરિયન્ટથી સંક્રમિતો મળી આવ્યા છે. ત્યાર બાદ ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને નેધરલેન્ડે આફ્રિકી દેશોથી આવનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે અમેરિકા, સાઉદી અરબ, શ્રીલંકા, બ્રાઝીલ સહિત ઘણા દેશોએ પણ આફ્રિકી દેશોની ફ્લાઈટ્સ બેન લગાવ્યો છે.
અમેરિકી રાષ્ટ્ર્પતિ જો બાઈડને કહ્યું કે સોમવારથી દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, નામીબિયા, લેસોથો, એસ્વાતિની, મોજામ્બિક અને મલાવીથી એર ટ્રાવેલ રોકી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકી પ્રશાસન હજી પણ આ નવા વેરિયન્ટ વિશે જાણકારી એકઠી કરી રહ્યું છે.
હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા યાત્રિકોની તપાસ માટે તમામ એરપોર્ટ્સને નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સતર્કતા દાખવવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા યાત્રિકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવામાં આવે. પરંતુ ભારત સરકારે હજી સુધી દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો નથી.
બ્રિટને નવા વેરિયન્ટના ખતરાને જોતા આફ્રિકાના 6 દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર હાલ પ્રતિબંધ મુક્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, લિસોથો અને એસવાટિની સામેલ છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું- દેશની હેલ્થ એજન્સી નવા વેરિયન્ટની તપાસ કરી રહી છે. અમને વધુ ડેટાની જરૂરિયાત છે પરંતુ અમે સાવધાની રાખી રહ્યાં છીએ. આ 6 આફ્રિકિ દેશોને રેડ લિસ્ટમાં મુકવામાં આવશે અને બ્રિટન આવતા યાત્રિકોને કોરોન્ટિન કરવામાં આવશે.