2023થી રોડ માર્ગે દિલ્હીથી શ્રીનગર માત્ર આઠ કલાકમાં પહોંચી જવાશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હી, કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ એલાન કર્યુ છે કે, 2023થી દિલ્હીથી શ્રીનગર માત્ર આઠ કલાકમાં પહોંચી શકાશે.
જમ્મુ કાશ્મીરમાં 25 સરફેસ કોમ્યુનિકેશના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ ગડકરીએ 259 કિલોમીટરની લંબાઈના નવા પાંચ હાઈવે બનાવવાની જાહેરાત કરવાની સાથે સાથે કહ્યુ હતુ કે, જમ્મુથી શ્રીનગર વચ્ચેના ફોર લેન હાઈવેનુ બાંધકામ આગામી 24 મહિનામાં પુરુ થઈ જશે.હાલની યોજનાઓ પૂરી થયા બાદ જમ્મુ શ્રીનગરને ત્રણ રોડ કોરિડોરના વિકલ્પ મળશે.જમ્મુથી શ્રીનગર વચ્ચેની મુસાફરી ચાર કલાકમાં પૂરી થશે.જ્યારે દિલ્હીથી શ્રીનગર સુધી કાર માર્ગે માત્ર આઠ કલાકમાં પહોંચી શકાશે.
ઉલ્લેખનીય છે કે, જુન મહિનામાં રાજ્યના નેતાઓ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરના લોકોની સુરક્ષા માટે તેમજ દિલ્હી વચ્ચેનુ અંતર ઘટાડવા પર સરકાર કામ કરી રહી છે.
દરમિયાન ગડકરીએ કહ્યુ હતુ કે, જમ્મુ શ્રીનગર વચ્ચે બીજા બે કોરિડોર ડોડા અને કિશ્તવાડ તેમજ અખનુર રાજોરી અને શોપિયાં થઈને પસાર થશે.દિલ્હી-કટરા એક્સપ્રેસ હાઈવે બની ગયા બાદ દિલ્હી-અમૃતસર સહિતના મુખ્ય શહેરો વચ્ચેની યાત્રાનો સમય ચાર કલાક, દિલ્હી કટરા વચ્ચેની મુસાફરીનો સમય 6 કલાક અને દિલ્હી શ્રીનગર વચ્ચે ની મુસાફરીનો સમય આઠ કલાક થઈ જશે. મારો આ વાયદો છે અને તે પૂરો થશે.
તેમણે સાથે સાથે કહ્યુ હતુ કે, આગામી બે વર્ષમાં રાજ્યમાં એક લાખ કરોડ રુપિયાના રોડ પ્રોજેક્ટ કાર્યરત થશે.આ સિવાય સરકાર 50000 કરોડ રુપિયા ખર્ચીને સુરંગો પહેલેથી જ બનાવી રહી છે.