શીખ સંગઠન સંસદનો ઘેરાવ કરી ખાલિસ્તાની ધ્વજ લહેરાવી શકે છે
શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરૂપત્વંત સિંહે વીડિયો રીલિઝ કરી સંસદને ઘેરાવો કરવા ખેડૂતોને અપીલ કરી
નવી દિલ્હી, ઈન્ટેલિજન્સ એજન્સીએ તાજેતરમાં એલર્ટ જારી કરીને કહ્યું હતું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફ જે) સંસદ ભવનનો ઘેરાવો કરીને તેના પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે. ગુપ્તચર વિભાગની એલર્ટ કોપીમાં લખેલું છે કે,
શીખ ફોર જસ્ટિસ (એસએફ જે)ના આતંકવાદી ગુરૂપત્વંત સિંહ પન્નૂએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો રીલિઝ કર્યો છે. આ વીડિયોમાં લાંબા સમયથી કૃષિ કાયદાઓના વિરોધમાં બેઠેલા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ૨૯ નવેમ્બરના રોજ સંસદના શીતકાલીન સત્ર દરમિયાન સંસદનો ઘેરાવો કરે અને ઝંડો ફરકાવે.
પન્નૂએ વીડિયોમાં કહ્યું છે કે, સંસદ ભવન પર ખાલિસ્તાની ઝંડો ફરકાવનારને સવા લાખ અમેરિકી ડોલરનું ઈનામ આપવામાં આવશે. ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસ સહિત તમામ એજન્સીઓને એલર્ટ પર રહેવા માટે કહ્યું છે. આ સાથે જ સંસદ ભવનની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રતિબંધિત ખાલિસ્તાની ગ્રુપે વર્ષની શરૂઆતમાં પ્રદર્શનકારી ખેડૂતોને ભડકાવવાના ઈરાદાથી એક એલાન કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જે કોઈ ગણતંત્ર દિવસના રોજ લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવશે તેને ૨.૫ લાખ અમેરિકી ડોલરનું ઈનામ આપવામાં આવશે. એસએફ જેના આતંકવાદી જાહેર કરાયેલા ગુરૂપત્વંત સિંહ પન્નૂએ એક વીડિયો દ્વારા ઝેર ઓકીને આ ઈનામની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એસએફ જે સહિતના અન્ય ખાલિસ્તાની સંગઠન અને તેના સાથે સંકળાયેલા એનજીઓનું ફન્ડિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની રડાર પર છે. આ સંગઠનોને સકંજામાં લેવા માટે જ એનઆઈએની ટીમ તાજેતરમાં કેનેડા પહોંચી હતી. તે ટીમ આઈજી સ્તરના અધિકારીઓની આગેવાનીમાં કેનેડા પહોંચી હતી.