૩૮૮ કરોડના ખર્ચ સામે ૩૮૬ કરોડની ગ્રાન્ટ રિલીઝ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Cash-1.jpg)
સુરત, કોરોનાના પહેલા અને બીજા તબક્કામાં રાહત અને બચાવ કામગીરી પાછળ પાલિકાને ૩૮૮ કરોડનો તોતિંગ ખર્ચ થયો છે. કોરોનાની કામગીરી પાછળ પાલિકાને થયેલો તમામ ખર્ચ રાજ્ય સરકારે ચૂકવી આપ્યો છે.
રાજ્ય સરકારે ૩૮૮ કરોડના ખર્ચ સામે રૂપિયા ૩૮૬ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરતા પાલિકાને મોટી રાહત થઈ છે. મળતી માહિચી પ્રમાણે કોરોનાની બે લહેરમાં મનપાને ૩૮૮ કરોડનો ખર્ચ થયો છે, જેમાં દવા માટે ૭૦ કરોડ, ટેસ્ટિંગ માટે ૭૫ કરોડ, માસ્ક માટે ૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
જ્યારે સાધન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૨૦ કરોડ, પીપીઈ કીટ માટે ૨ કરોડ, ધન્વંતરી રથ માટે ૩ કરોડ, એચ આર અને મેન પાવર માટે ૭૮ કરોડ અને લોકોની સારવાર પાછળ ૩૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી બાજુ રૂ. ૩૮૮ કરોડ સામે મનપાને રૂ. ૩૮૬ કરોડની ગ્રાન્ટ મળી છે.
કોરોનાના વીસ મહિનામાં પાલિકાએ કોરોના પાછળનો તમામ ખર્ચ સ્વભંડોળમાંથી કરી રાજ્ય સરકાર પાસેથી કોવિડ ગ્રાન્ટ માંગી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂપિયા ૨૦૦ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂપિયા ૨૫૦ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે.
૨૦૨૦-૨૧માં પાલિકાને રૂપિયા ૨૦૦ કરોડની પુરેપુરી ગ્રાન્ટ મળી ગઈ છે જ્યારે ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧૮૬ કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકારની ગ્રાન્ટને પગલે પાલિકાએ કોરોના પાછળ કરેલો ખર્ચ ગ્રાન્ટમાંથી નીકળી ગયો છે. કોરોનાને કારણે શહેરમાં વિકાસ કામના બજેટ પર વિપરીત અસર પડે તેવી દહેશત ખોટી ઠરી છે. પાલિકાએ શહેરમાં વિકાસ કામો સાકાર કરવા માટે ફાળવેલુંબજેટ યથાવત રહ્યું છે.SSS