તાલાલા કડવા પટેલ સેવા સમાજમાં ઉમા મેરેજ હોલનું લોકાર્પણ
તાલાલા (ગીર), ગિરના પાટનગર તાલાલા શહેરમાં આવેલ કડવા પટેલ સેવા સમાજમાં દાતાઓના સહકારથી નિર્માણ થયેલ નવનિર્મિત અદ્યતન ઉમા મેરેજ હોલનું વેરાવળ મોટી હવેલી માધવરાયજી મહારાજના શુભ હસ્તે લોકાર્પણ થયું હતું.
આ પ્રસંગે યોજાયેલ એક કાર્યક્રમમાં સમાજ માટે વર્ષો સુધી અગત્યનું યોગદાન આપનાર પ્રેરણારૂપ સમાજ સેવક પૂર્વ પ્રમુખ રવજીભાઈ કણસાગરા તથા દેવરાજભાઈ રાણીયાનું સમાજના અગ્રીમ અગ્રણીઓના વરદ હસ્તે સન્માન કરી બન્ને સમાજ સેવકોને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
તાલાલા પંથક કડવા પાટીદાર સમાજના ગૌરવવંતા આ કાર્યક્રમને દિપાવવા સમાજના વડીલ અગ્રણી નરસીબાપા મકવાણા, એમ.ડી. પ્રભુદાસભાઈ ત્રાંબડીયા, સમાજની કારોબારી ચેરમેન કિરીટભાઈ કમાણી ઉપરાંત સમાજના વિવિધ ગામોમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.