દૂધસાગર ડેરી સંલગ્ન ઈન્સ્ટિ.ના પ્રોફેસરે સિદ્ધિ મેળવી, ભારતમાં ફૂડ સાયન્સ ક્ષેત્રે ૭મો રેન્ક મેળવ્યો
મહેસાણા, મહેસાણા જિલ્લા ખાતે આવેલી દૂધસાગર ડેરી સંલગ્ન ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસરને ડેરી સંલગ્ન માનસિંહભાઈ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડો.દિપકને ભારતમાં ફૂડ સાયન્સ ક્ષેત્રે ૭મો અને સમગ્ર વિશ્વમાં ૨૫૬મો રેન્ક મળ્યો છે. હાલમાં ટોપ ૨ ટકા વૈજ્ઞાનિકોમાં ડો.દિપકનું નામ જાહેર કરાયું છે.
મહેસાણા જિલ્લામાં શ્વેતક્રાંતિ લાવનાર દૂધ સાગર ડેરી સંલગ્ન માનસિંહભાઈ ઈન્સ્ટિટ્યૂટના એક પ્રોફેસરે પોતાની મહેનત અને રિસર્ચથી મહેસાણા અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ ઈન્સ્ટિટ્યૂટના ડો.દિપક મુદગીલ છેલ્લા ઘણાં વર્ષાેથી દૂધસાગર ડેરી પરિવારના સભ્ય રહ્યા છે. જેમને વિદ્યાર્થીઓને ડેરી ટેકનોલોજીનું જ્ઞાન પીરસવાની સાથે પોતાની મહેનત અને લગનથી અનેક રિસર્ચ પેપરો અને બુક્સ તૈયાર કરી ફૂડ સાયન્સમાં વિશેષ પ્રસિદ્ધિ મેળવી છે.
આમ ડો.દીપક મુદગીલના રિસર્ચ સહિતની એક્ટિવિટીનો યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સર્વેમાં નોંધ લેવાતા વિશ્વના વૈજ્ઞાનિકોની કામગીરી અને આવડતની સાપેક્ષ અગ્રેસર રહેલા ૨ ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં ડો.દીપક મુદગીલનું નામ પણ પ્રસિદ્ધ થયું છે.
તેમણે ભારતમાં ફૂડ સાયન્સમાં ૭મો ક્રમ અને વિશ્વ કક્ષાએ ૨૫૬મો રેન્ક મેળવ્યો છે. આ યાદી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રોફેસરનું નામ વિશ્વના ટોપ ૨ ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં ગુંજતા દૂધસાગર ડેરી પરિવાર સહિત દેશનુ ગૌરવ વધ્યું છે.